પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સરવણની કથા

માછલી વિયાણી કાંઈ દરિયાને બેટ
સરવણ રિયો એની માને પેટ

કાળી પછેડી ને ભમરિયાળી ભાત
સરવણ જનમ્યો માઝમ રાત

અડી કડી ને નવઘણ કૂવો
ત્યાં સરવણનો જનમ હુઓ

લાંબી પીપળ ટૂંકા પાન
સરવણ ધાવે એની માને થાન

સાત વરસનો સરવણ થીયો
લઈ પાટીને ભણવા ગીયો

ભણી ગણી બાજંદો થીયો ને
સુખણી નારને પરણી ગીયો

સુખણી નાર મારાં વચન સુણો રે
મારાં આંધળા માબાપની સેવા કરો

આંધળા માબાપને કૂવામાં નાખ
મને મારે મહિયર વળાવ

મોર સરવણ ને વાંહે એની નાર
સરવણ આવ્યો એના સસરાને દ્વાર

સસરાજી રે મારા વચન સુણો
તમારી દીકરીને ઘરમાં પૂરો