પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રો' રો' જમાઈરાજ જમતા જાવ
દીકરીના અવગણ કહેતા જાવ

ઈ અભાગણીનું મોં કોણ જુએ
મારાં માબાપને નાખે કૂવે

ત્યાંથી તે સરવણ ચાલતો થયો
ને સરવણ આવ્યો દરજીને દ્વાર

ભાઈ રે સુતારી મારા વચન સુણો
મારાં આંધળા માબાપની કાવડ ઘડો

કાવડ ઘડજો ઘાટ સઘાટ
સોહ્યલાં બેસે મારા મા ને બાપ

ત્યાંથી સરવણ ચાલતો થયો
ને સરવણ આવ્યો દરજીને દ્વાર

ભાઈ રે દરજીડાં મારાં વચન સુણો
મારાં આંધળા માબાપના લૂગડાં સીવો

લૂગડાં સીવજો માપ સમાપ
સોહ્યલાં પેરે મારાં મા ને બાપ

ત્યાંથી તે સરવણ ચાલતો થયો
ને સરવણ આવ્યો મોચીડાંને દ્વાર

ભાઈ રે મોચીડાં મારાં વચન સુણો
આંધળા માબાપની મોજડી સીવો

મોજડી સીવજો ઘાટ સઘાટ
સોહ્યલી પેરે માંરાં મા ને બાપ