પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખભે કાવડ ને હાથમાં નીર
સરવણ આવ્યો જમનાને તીર

નાહ્યાં જમનાનાં પાવન નીર
ત્યાથી હાલ્યા સરયુને તીર

ડગલે પગલે પંથ કપાય
પણ ત્યાં માબાપ તરસ્યા થાય

દશરથ બેઠાં સરવર પાળ
અંધારે હરણાંનો કરવા શિકાર

ભરીયા લોટા ખળભળ્યાં નીર
ને સરવણ વીંધાયો પેલે જ તીર

મરતાં તે લીધાં રામનાં નામ
દથરથ આવી ને ઊભા તે ઠામ

મરતાં મરતાં બોલતો ગીયો
મારાં આંધળા માબાપને પાણી દીયો

દશરથ આવ્યા પાણી લઈ
બોલ્યા માબાપની પાસે જઈ

માવતર તમે પાણી પીઓ
સરવણ તો પેલે ગામ જ ગીયો

આંધળાની લાકડી તૂટી આજ
સરવણ વિના કેમ રે જિવાય ?

આંધળા માબાપે સાંભળી વાત
દશરથ રાજાને દીધો શાપ