પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હે મારી શેરીએથી કાનકુંવર

હે મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ
મુખેથી મોરલી બજાવતા રે લોલ

હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ

હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ
ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ

મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ
જઈને અમરાપરમાં છોડિયા રે લોલ

અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો માન્યું કે હરિ આંહીં વસે રે લોલ

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ
તાંબાળુ ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ