પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું તો જમવા બેઠીને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળીયો ન ઊતર્યો રે લોલ

મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ
કોળીયો ભરાવું જમણા હાથનો રે લોલ

હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ
ચારેય દશ્યે નજર ફેરતી રે લોલ

એક છેટેથી છેલવરને દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ

મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ
ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ

મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ
મોતડિયાં નથી આવતાં રે લોલ

મને હીંચકતાં નવ તૂટ્યો હીંચકો રે લોલ
નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ

મારી માતા તે મૂરખ માવડી રે લોલ
ઉઝેરીને શીદ કરી આવડી રે લોલ