પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ પોતાનું સ્વપ્નનું સાકાર થતું જોવા લિંકને જીવવાના ન હતા. તેમની પ્રમુખપદની બીજી મુદત શરૂ થયા પછી એક મહિના બાદ, અને યુદ્ધ પૂરું થયા પછી પાંચ જ દિવસ બાદ, તેઓ વૉશિંગ્ટનની એક નાટકશાળાની ધ્વજોથી શણગારેલી બૉક્સમાં બેઠા હતા ત્યારે એક ઝનૂની દક્ષિણવાસીએ તેમનું ખૂન કર્યું.

ધડાકો થયો ત્યારે બધાની આંખો રંગભૂમિ પર હતી. પ્રમુખ પોતાની ખુરશીમાં આગળ નમી ગયા. ખૂની ભાગી ગયો. પાછળથી તેની ધરપકડ વખતે થયેલી ઝપાઝપીમાં તે માર્યો ગયેલો. લિંકનને નાટકશાળાની સામેના એક ઘરમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેઓ આખી રાત શાંત પડ્યા રહ્યા. આખું રાષ્ટ્ર શોકમાં ગરકાવ થઈ ગયું, બીજે દિવસે સવારે ભાનમાં આવ્યા સિવાય જ લિંકન મૃત્યુ પામ્યા. તેમના મંત્રીમંડળના એક સભ્યે ધીમેથી કહ્યું : “હવે તેઓ અમર બની ગયા છે.”

“અમર બની ગયા છે.”