બાપા, કાકા ને મામા, રામજીભાઇ ને દામજીભાઈ, સૌ વારે વારે જુદે જુદે વખતે કેવું ય જુદું જુદું બોલે છે. બાળક નજરોનજર સઘળું ભાળે છે ને કાનોકાન સાંભળે છે. તે વિચારે છે : “આમ કેમ ?”
ધીરે ધીરે બાળક પલોટાઈ જાય છે. તે પણ ઘણા વેશો ધારણ કરવાનું શીખતું જાય છે. જુદા જુદા માણસો પ્રમાણે જુદા જુદા વેશ કરતું જાય છે. મોટાંઓના વિસંવાદી જીવનમાંથી તે વિસંવાદનો, દંભનો, ઉપરની શિષ્ટતાનો ને અંદરના અપ્રમાણિકપણાનો પાઠ લે છે. પરિણામે જેવાં આપણે છીએ, જેવો આપણો વ્યવહાર છે, જેવી આપણી સ્થિતિ છે તે બધું આપણે તેને આપીએ છીએ અથવા વધારે ખરું તો બાળક તેનું વારસ બને છે. આપણે આ બાબતમાં શું કરી શકીએ ? આપણે જીવનમાં એકરાગ-એકરૂપતાના, એકતાના સંવાદને યોગ્ય અને સાચું સ્થાન આપીશું કે બાળકોને કાન-સાન છે માટે તેનાથી બધું છાનું જ કરીશું ? આપણે ધીમે ધીમે ગમે ત્યારે એ કરીએ ને જીવનનો આ પ્રશ્ન ઉકેલીએ. પરંતુ ત્યાં સુધી આપણે એટલું યાદ રાખીએ કે “છોકરાંઓને કાન છે.”