આવી સ્થિતિ ઘણાં ઘરોમાં છે અને તે તુરત જ સુધરવી જોઇએ. એક રાજાને બદલે બધા રાજા થાય ને સૌ સૌને ફાવે તેમ હુકમ કાઢે તો રાજ્ય કેટલા દિવસ ચાલે ? શેઠ એક જોઇએ; તંત્રવાહક એક જોઇએ; સત્તા એક જોઇએ. બેશક જ્યાં મોટાં કામો હોય ત્યાં સંયુક્ત સત્તા હોય, સંયુક્ત તત્ર હોય, અગર કાર્યોના વિભાગ કરી વિભાગિય તંત્ર હોય; પરંતુ નાના પરત્વે બાકીનાં મોટાં સૌ સત્તાધારી, એ સ્થિતિ તો પરવડે જ નહિ.
રમુના બાપા કાં તો એકલા જ બધા હુકમો કાઢે ને હુકમો પ્રમાણે રમુની બા પણ મર્યાદામાં રહી પોતાને લાગતા હુકમો કાઢી શકે; બેનની સત્તા પણ હોય ખરી, પરંતુ તે મર્યાદિત અને માન્ય થયેલી. અને દરેક સત્તા એટલું તો અવશ્ય જુએ જ કે કોઇના પણ હુકમનું અપમાન કે ઉત્થાપન કોઈ ન જ કરે. દરેક સત્તા પોતાની મર્યાદાની બહાર કદી હુકમ ન જ કાઢે. એટલું સ્વીકારે એટલે એકતંત્ર, સંયુક્ત તંત્ર કે પ્રજાતંત્ર કે કોઈ પણ તંત્ર ચાલે જ; અને રમુ જેવાને કચરાવું ને આથડવું ન પડે.
રમુને બાપાએ બોલાવ્યો. ઉતાવળથી જતાં દૂધના કળશાને જરાક ઠોકર લાગી; દૂધની ઝાલક ઊડી ને પાવળું દૂધ ઢોળાયું.