આ પેલી કહેવતવાળું થયું. એક રમુ ને સો દમુ : એટલે કે એક જણ ને સો જણાં કહેનારાં!
રમુ નાનો છોકારો; સૌ એનાથી મોટાં. સૌને જાણે કે મોટાં છીએ એટલે જ અધિકાર કે રમુને જે આવે તે કહે! એ અધિકાર સૌને પણ એવી જ રીતે મળેલો : એટલે કે તેઓ નાનાં હતાં ત્યારે તેમના પણ આ જ હાલ થયેલા.
આમાં રમુનું શું થાય છે તે જોયું? રમુ એક કામ કરવા બેસે છે ત્યાં બીજું લેવું પડે છે; ને જ્યાં બીજું કરવા બેસે છે ત્યાં ત્રીજું કરવાની વાત આવે છે. રમુનું એકે કામ પૂરું થતું નથી. પછી તેને તેનાથી લાભ અને આનંદ તો શાનાં જ થાય ?
અને રમુનું કામ બગડે એ ઠીક, પણ તેનું મન પણ બગડે, એના મનમાં એમ જ થવાનું : “આ તે કોઇનામાં ઢંગધડા છે કે નહિ ? એક આમ કહે છે, ત્રીજું આમ કહે છે! માળાં બધાં ડાહ્યાં ?”
રમુ નાનો છે એટલે તે રોકડું પરખાવી શકતો નથી, તેમ સૌની ભૂલ સામે સંભળાવી શકતો નથી. પણ તેમાંથી તે પાકું એવું શિક્ષણ તો લે જ છે.
રમુનાં હુકમ કરનારાં તરફ જોઇએ તો આપણને શુ લાગશે ? આપણને થશે કે આ ઘરમાં કશું તેજ નથી. નથી એકતંત્ર, નથી સંયુક્તતંત્ર, અથવા સ્વાતંત્ર્ય. અહીં તો સૌ-તંત્ર એટલે કોઈનું તંત્ર નહિ એવું ભાસે છે ! આ વિચિત્ર તંત્રમાં પહેલાનું બીજું ઉપાથે છે, અને બીજાનું ત્રીજું ઉપાથે છે. એમાં એકબીજા પ્રત્યે માન ક્યાં ? આમાં કશું નિયમન ક્યાં ? આમાં રમુને શાનું શિક્ષણ મળવાનું ? અંધાધૂંધીનું કે વ્યવસ્થાનું ? માનનું કે માનભંગ કરવાનું?