વળી અતિશયોક્તિથી બોલવાની આપણી ટેવથી બાળક આપણા કથનની નૈતિક કિંમત ગણતું નથી. તેના મનમાં આપણે વિષે પ્રશ્ન ઊઠે છે કે મોટાંઓ આવું ખોટું કેમ બોલતાં હશે ? ભાષાદૃષ્ટિએ પણ આવી અતિશયોક્તિ માફ ન કરી શકાય. બાળક એની બોલવાની બાબતમાં બેદરકાર બને છે. આપણું કથન હમેશાં અતિશયોક્તિથી ભરેલું છે એવી છાપ થઈ જતાં બાળક તેને લગભગ ગણકારતું નથી. ધીરે ધીરે તે રીઢું થઇ જાય છે. પ્રથમ જેમાં તેને અસત્યભાસ થતો હતો, જે અતિશયોક્તિ અતિશય લાગતી હતી, તેને બદલે પાછળથી તે રીઢું થતાં તેવી જ અશિક્તવાળું વચન પોતે બીજા પ્રત્યે તેમ જ પોતાનાં બાળકો પ્રત્યે પણ કાઢતાં શીખે છે. આમ અતિશયોક્તિની પરંપરા ચાલી આવે છે. જરાક જો કાળજી રાખીએ તો આપણે અને બાળકો આવી અતિશયોક્તિમાંથી અને તેના નુકસાનમાંથી છૂટી જઇએ.
બોલતાં આવડે છે એટલે આપણે બોલીએ છીએ; સામાને અર્થ સમજ્યા વિના છૂટકો નથી તે સમજે છે. પણ સવાલ એ છે કે આપણને બરાબર બોલતાં આવડે છે ?
તમે ઉતાવળથી ગડબડ ગડબડ બોલી જતા શેઠને સાંભળ્યો છે ? તમને તે નથી ગમતો, છતાં તમે તેને સમજી લ્યો છો. તમારા મન ઉપર તેની કાર્યશક્તિની કશી જ છાપ પડતી નથી.