લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
મા બાપ થવું આકરું છે
 

તમે કોઇ અખડબખડ બોલનાર વક્તાને સાંભળ્યો છે ? તમને તેમાં મજા પડતી નથી છતાં વ્યાખ્યાનનો વિષય ઉપયાગી છે એટલે, અગર સભ્યતાને કારણે બેસી રહ્યા છો. એટલે, સહન કરી લ્યો છો. તમારા મનમાં તેના વિચારોની પૂરી છાપ નથી પડતી ને તેનું અડધું કહેવું નકામું જાય છે. તે તમારામાં જે લાગણી જગાડવા માગે છે તે તે જગાડી શકતો નથી.

આવા વધારે દાખલા તમારા અનુભવમાં છે વક્તા અને શેઠ પેઠે આપણે માબાપો અને શિક્ષકો જે અણગમતી ઢબે બોલીએ છીએ તેની અસર બાળકો પર કેવી થાય છે તેનો વિચાર કર્યો છે ?

કોઈ સારાં સસ્કારી માબાપો પોતાનાં બાળકો સાથે વાતો કરતાં હોય ત્યારે ત્યાં તમે હાજર હો તો તમને જણાશે. માબાપો બહુ સ્પષ્ટતાથી, મધુરતાથી ધીરજથી અને ધીમાશથી બોલે છે; પોતાના હૃદયના ભાવો વ્યક્ત થઇ શકે તેવા શબ્દોની પસંદગીથી બોલે છે. બાળકો સાથે વાત કરતાં તેઓને ખ્યાલ છે કે બાળકો હજી થોડા જ વખતથી આ દુનિયામાં આવેલાં મહેમાનો છે. બધું સમજી લેવાનું જેમ સારા યજમાનો મહેમાન ઉપર છોડતા નથી તેમ સારાં માબાપો પણ કરે છે. નવા આવનારની મુશ્કેલી સમજી, નવી ભાષા જાણનારની મુશ્કેલી સમજી, તે બહુ કાળજીથી વાત કરે છે. બાળકો બધું બરાબર સમજી શકે છે તેથી માબાપ અને બાળકો વચ્ચે ગેરસમજણ ઊભી થતી નથી. ભાષા ન સમજવાથી ઘણી ગેરસમજણો થાય છે એ તો આપણો અનુભવ છે.