લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[ ૩૦ ]
બાળકોને શું ગમે છે ?
 


બાળકોને શું ગમે છે? વ્યવસ્થા કે અવ્યવસ્થા ? શાંતિ કે ઘોંઘાટ ? કામ કે નિષ્ક્રિયતા ?

લોકો એમ માને છે કે બાળકોને અવ્યવસ્થા ગમે છે કારણ કે તેઓ અવ્યવસ્થિત રહે છે ને અવ્યવસ્થા ઉત્પન્ન કરે છે; પરંતુ તે માન્યતા ખોટી છે. બાળકોને વ્યવસ્થા પ્રિય છે, કારણ મનુષ્યનું માનસ વ્યવસ્થાપ્રિય છે. અવ્યવસ્થામાં તે ગૂંગળાય છે, મૂંઝાય છે; તેને અવ્યવસ્થામાં કાંઈ સૂઝતું નથી. આપણે સુવ્યવસ્થિત વાતાવરણ કરી આપતા નથી, ને બાળક બિચારું નાનું હોવાથી મોટી અવ્યવસ્થા વ્યવસ્થિત કરી શકતું નથી, માટે તેને મૂઝાંતાં અકળાતાં જેમતેમ અવ્યવસ્થામાં જીવવાના રસ્તો શોધી કાઢવાનો રહે છે. ને તેને જ આપણે બાળકની અવ્યવસ્થા કહીએ છીએ! બાળકની અવ્યવસ્થા એ તો એ બિચારાની મૂંઝાયેલ સ્થિતિ છે, અને આપણા અવ્યવસ્થિત વાતાવરણમાંથી તે ઉત્પન્ન થયેલી હોય છે !

લોકો એમ માને છે કે બાળકોને ઘોંઘાટ ને ગડબડ પ્રિય છે; બાળકોને શાંતિ ગમે જ નહિ ને શાંત બેસતાં આવડે પણ નહિ, કારણ બાળક ચંચળ છે. પણ તે માન્યતા ખોટી છે. બાળક ઘોંઘાટ ને ગડબડથી બહુ મૂંઝાય છે. તેના નાના નાના જ્ઞાનતંતુ મોટા અવાજથી બહુ અકળાય છે; તેના પર ખૂબ તાણ પડે છે. રોજ કેટલાયે અર્થ વગરના અવાજો તેના કાન પર નિર્દયતાથી અથડાયા જ કરે; શેરીનાં ને ઘરનાં માણસો ખૂબ જોરથી વાતો કરતાં જ હોય; આજુબાજુમાં