માણસો રાડો પડતાં જ હોય; માણસો બારણાં ભટકાવતાં જ હોય, વાસણો ખખડાવતાં જ હોય; ને તે પણ બધું કારણ વગર, અર્થ વગર ! બાળકનું મગજ આ ઘોંઘાટથી ખવાઈ જાય છે. આવી ધમાલમાં પોતાને બીજાં સાંભળે માટે તેને પોતાનો નાનો અવાજ પણ ખૂબ તાણવો પડે છે; ગળું દુખવવું પડે છે. પણ બિચારું શું કરે ? અવાજ, ગડબડ અને ઘોંઘાટમાં જીવવાનો રસ્તો તેણે શોધવો જ રહ્યો; ને તે શેાધી લે છે કે ઘોંઘાટ કે ગડબડ કરવી એ જ તેનો રસ્તો છે. તેના જ્ઞાનતંતુઓ થાકી તો જાય છે જ.
લોકો એમ માને છે કે બાળકોને કામ કરવું ગમતું જ નથી માટે બાળકો પાસે પરાણે કામ કરાવવું જોઇએ; પણ આ માન્યતા તદ્દન ખોટી છે. બાળકો કુદરતી રીતે ક્રિયાપ્રિય છે. પણ આ મોટાંઓના જગતમાં તેમને કામની સગવડ મળતી નથી, તેમને માટે યોગ્ય એવાં સાધનો મળતાં નથી, તેમને માટે સ્થળ મળતું નથી. મોટાંઓની ગમે ત્યારે રાડ પડશે જ : “આ શું કરે છે? ત્યાં શું કામ અડ્યો ? આ શું કામ લીધું ?” તેને એવા અકસ્માતો વચ્ચે જ ક્રિયા કરવી રહી. એટલે તે આસ્તે આસ્તે નિષ્ક્રિયતાપ્રિય થતું જાય તો શી નવાઇ? બાળકમાં અવિશ્વાસ રાખવાવાળા તો ક્યાંથી જ જોઈ શકે કે બાળકોને શું શું આવડે ને કેટલું તે કરી શકે ?
બીજું જે ફાવે, જે ગમે કે જેમાં સૂઝ પડે તે કરવાની સગવડ મળે નહિ, અને ન ફાવે, ન ગમે, ન સૂઝે તે ફરજિયાત કરવુ પડે : તો તેવું કરવા કરતાં બાળકો ન કરવાનું પસંદ કરે તો શી નવાઈ? તેથી મોટાંઓ માને છે કે બાળકોને કામ ન ગમે. આ કારણે બાળકોમાં કેટલી