લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
મા બાપ થવું આકરું છે
 

હું કાંઈ તમારી ધોબણ છું ? હું ક્યાં ધોવા નવરી છું ?” બહુ બહુ તો બાથી બીને છોકરાં જમીને પૂછે : “હાથ શેણે લૂઇએ ?” એક દી બા કહેશે : “ઓલી કાલવાળી ધોવાની ઘાઘરીએ.” બીજે દી કહેશે : “જુઓ તો, પણે ચીંથરાં પડ્યાં એનાથી લૂવો.” ત્રીજે દી કહેશે : “ઢેઢડીને આપી દેવાનો પેલો સાડલો પડ્યો છે તેનાથી લૂવો.” છોકરાંઓને રોજ નવા માર્ગે ચાલવુ પડતું; ગોતમગોતાં થતી! તેઓ કંટાળતાં ને અમે પણ કંટાળતાં.

હમણાં બે ફેરફારો દાખલ કર્યા છે. હાથ ધેાવા માટે ફળિયામાં એક પવાલું મૂક્યું છે; હાથ લોવા માટે બારણાની સાંકળે એક રૂમાલ બાંધ્યો છે. કુસુમ જમીને ઊઠે છે ને પવાલા પાસે જાય છે, ને ચકલી ખોલી બે હાથ ભેગા કરી ઘસીને નિરાંતે હાથમોં ધુએ છે. “ધોવરાવોને ધોવરાવોને ?” એમ કોઈને કહેવું પડતું નથી. સૌ એક પછી એક હાથ ધોવા જાય છે એટલે ગડબડ થતી નથી, ને બાને વઢવું પડતું નથી; છોકરાંનાં મોં પણ ચડતાં નથી, ને મારે ઊઠબેસ કરવી પડતી નથી. બાળકોને હાથ કેમ ઘસવા એ બતાવ્યું છે. પોતે હાથ ઘસી લે છે; કચરો કાઢે છે ને એઠું રહેવા દેતાં નથી હાથ ધોઈ રૂમાલે હાથ લૂવા તેઓ જાય છે. એક રૂમાલ રાતો, પીળો, કાળો થાય છે, પણ કોઇનાં ઘાઘરી-પોલકાં બગડતાં નથી; હાથ ચીકણા રહેતા નથી; મા-બાપોને ચિડાવું પડતું નથી. લૂગડાના કટકા માટે ગોતાગોત થતી નથી ને જમીને મોં ચડાવવાને બદલે કૃદતાં કૂદતાં ને રમતાં રમતાં બાળકો આંટા મારે છે. અમારા મનને ક્લેશ થતો નથી. બાળકો અમારાથી ને અમે બાળકોથી સ્વતંત્ર થઈ ગયાં છીએ. એક પવાલું અને એક ટુવાલ બાળકોને આશીર્વાદરૂપ થઇ પડ્યાં છે.