વાત કરતાં ગજાનને કહ્યું : “રમણલાલ ! આ તારાં
છોકરાં તારી સાથે ઝટપટ વાતો કરે છે ને પૂછવું હોય તો
પૂછે છે; તારી આસપાસ કૂદે છે ને નાચે છે, ને તને આ ખતાવે
છે ને તે બતાવે છે. ને મારાં છોકરાં તો એવાં જરા યે નથી
નથી મારી સાથે છૂટથી બોલતાં કે નથી કંઈ સવાલો પૂછતાં;
નથી તેઓ કહેતાં કે પોતે શું વાંચે છે કે શું લખે છે, ને
રમે છે કે ભમે છે. આનું કારણ શું હશે ?”
રમણલાલે કહ્યું: “ખરું કારણ કયું હશે તે એમ પૂરા સહવાસ વિના કેમ કહેવાય ? પણ કંઈ જોઉં છું, જાણું છું તે ઉપરથી કહીશ. મને એમ લાગે છે કે એમાં છોકરાંઓનો વાંક નથી. વાંક કહીએ તો તારો છે. અને એક રીતે એ વાંક પણ અણસમજ કે અણઆવડત છે.”
ગજાનન કહે : “કઈ ? કહે જોઈએ ?”
રમણલાલ : “એ તારી છોકરાંએ સાથે પહેલેથી ન ભળવાની ટેવ. તું જાણે અમલદાર. નોકર, ચાકર વગેરે ય તારાથી દૂર ને દૂર. બીજા નીચેના અમલદારો પણ દૂર ને દૂર. તારો સ્વભાવ પણ અમલદારશાહી. આમ મોઢું ગંભીર રાખીને બેસી રહેવાનો. પણ છોકરાંઓને એવો સ્વભાવ નથી ગમતો; તેઓ એવા માણસથી દૂર ભાગે છે.”