ગજાનન : “પણ એમ તો હું એમની સાથે બોલું છું; નિશાળના અને રમતના સવાલો પૂછું છું; વખતે કજિયા થાય છે તો પતાવું છું. એમ કાંઈ સાવ અક્કડ થઈને બેસી નથી રહેતો. એમ તો હું એમનો બાપ છું, ને તે મારાં છોકરાં છે.”
રમણલાલ : “પણ એમ તો ખરું ના કે તું એમને પૂછે છે માત્ર? તું એમનો ન્યાયાધીશ થાય છે માત્ર? તું એમનો કાંઇ મિત્ર થોડો થાય છે ?”
ગજાનન : “એટલે ? મિત્ર થવું એટલે ? એ બાપથી કેમ બની શકે ?”
રમણલાલ : “એમાં જ ખૂબી છે, ને ત્યાં જ બાળકોના અંતઃકરણની ચાવી છે. એ ચાવી હાથમાં આવી એટલે બધાં તાળાં ઊઘડે છે. પછી તો તે આપણી પાછળ ફરવાનાં; નવા નવા સવાલો પૂછવાનાં; આપણી આગળ નાચવા- કૂદવાનાં, અને કહીએ તે વેગે વેગે ને હાંશે હાંશે કરવાનાં.”
ગજાનન : “પણ મિત્ર થવું શી રીતે ?”
રમણલાલ : “એ તને કહું. છોકરાંના મિત્ર તેમનાં કાર્યોમાં રસ લઈને થવાય. નિશાળે કેટલામો નંબર આવ્યો તે પૂછીને મિત્ર નથી થવાતું; પણ નિશાળમાં તેને કેવું ગમે છે, માસ્તર કેવા છે, તેને વિષે તે શું ધારે છે, તેની ગમ્મત તેઓ કેમ ઉડાવે છે, એવું એવું બધું તેમની પાસેથી જ્યારે જાણવા બેસીએ ત્યારે તે આપણી નજીક આવે છે. તેમને પોતાની શાળા વિષે ને ત્યાં ચાલતા કાર્ય વિષે કોઈકને કહેવાનું મન તો હોય જ છે; પણ કોઈ સાંભળનાર ન મળે એટલે પડ્યાં રહે છે. આપણે જરા કાન ધરીએ તો તેઓ આપણી પાસે પણ ખીલે છે.”