લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારી સાથે કેમ નહિ?
 

ગજાનન : “ત્યારે એમ કરી જોઈશ. પણ આ એક જ બાબતમાં મિત્ર થઈ જવાય ?”

રમણલાલ : “ના; આ તો દાખલો આપ્યો. બાળકોના જીવનમાં નાનીમોટી અનેક બાબતો હોય છે; તેના વિષે આપણે ઘણી વાતો કરી શકીએ છીએ. બાળકોને ગમતું-અણુગમતું, શોભતું-અશોભતું, ભાવતું-નહિ ભાવતું, રૂપાળું-અરૂપાળું, એવું ઘણું હોય છે. તેના ઉપર તેના અભિપ્રાયો, પસંદગી-નાપસંદગીનાં કારણો વગેરે હોય છે. તે જાણવામાં આપણે રસ લઈએ, તેમનાં નાનાં સુખદુઃખો પ્રત્યે સહાનુભૂતિ રાખીએ, તેમની નાનીમોટી પ્રવૃત્તિઓની કદર કરીએ, તો તેઓ આપણને મિત્ર તરીકે અનુભવે છે; અને ત્યારે જ તેઓનું અંતઃકરણ કોળે છે ને ઊઘડે છે.”

ગજાનન : “વાત તો સાચી લાગે છે. તારો અનુભવ ઊંડો લાગે છે.”

રમણલાલ : “હા, છે તો અનુભવની જ વાત. એકબે મારા દાખલા તાજેતરના જ આપું. મારો દીકરો હમણાં સિક્કાઓ અને ટિકિટો એકઠી કરે છે. મને એ ખબર પડી કે તુરત જ હું તેને મદદ કરવા લાગ્યો છું. મારા મિત્રને મેં કાગળો લખી તેની ઓળખાણ કરાવી છે મારી પાસે જ્યારે જ્યારે નવી જાતની ટિકિટો આવે છે ત્યારે તેને માટે સાચવી રાખું છું. તેને મેં સ્ટૅમ્પ કલેક્‌ટિંગ કેમ કરાય તેની કેટલીએક સૂચનાઓ કરી ત્યારે તે ખુશી ખુશી થઈ ગયો. મારી મદદ તેને બહુ ગમી છે; અને એક જોડ જોડા કે ટોપી લઈ દઉં છું ત્યારે ખુશી થાય છે તેના કરતાં એકબે સ્ટૅમ્પથી તે વધુ પ્રસન્ન થાય છે. અમે સ્ટૅમ્પ અને તેના દેશો વિષે વાતો કરવામાં ખૂબ રસ લઈએ છીએ. તે વખતે તે ખીલે છે; તેના