લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મા બાપ થવું આકરું છે
 

સ્વભાવની મને ત્યારે પરીક્ષા થાય છે; ને તે વખતે તે મને વધારે પૂજ્યભાવથી જુએ છે.”

ગજાનન : “તું તો ભારે કરે છે! મારે આમ કરતાં શીખવું જોઈશે. ખરેખર, હું તો અમલદાર તે અમલદાર જ. મોઢવા જેમ બેસતાં અને રૂઆબ છાંટતાં આવડે, પણ છોકરાંઓના મિત્ર થતાં ન આવડે. મારે તે શીખવું પડશે.”

રમણલાલ : “ન આવડે એવું કંઈ નથી. અને એમાં શીખવા જેવું કશું નથી. પણ આપણું ધ્યાન તે તરફ જવું જોઇએ. આ અમારા પાડોશમાં ત્રિવેણીબેન છે, એનામાં બાળકોના મિત્ર થવાની સુંદર આવડત છે. અને એમ કાંઈ બાળકો સાથે એ કાલાં કાઢતાં નથી. પોતે બાળકોના રસના વિષયોને સારી રીતે જાણે છે. પોતે સારું ભણેલાં છે ને પાંચમાં પુછાય પણ છે; પણ બાળકો સાથે બેસે છે ત્યારે બાળકોને જરાયે ભારે નથી લાગતાં, અને છતાં ખૂબ સારાં અને ઊંચાં લાગે છે. તેઓ તો ત્યાંથી વાત કરશે : ‘તમને વડાં ભાવે કે નહિ ? કહો ત્યારે, આપણે કાલે કરશું ? દાળ કોણ વાટશે? કોથમરી કોણ વીણશે ? તળવા કાણ બેસશે?’ બીજી વાત કાઢશે : ‘આ ચૂંદડીનો કસબ કિંમતી છે ખરું? અમે નાનાં હતાં ત્યારે ભૂરા રંગની ચૂંદડી પહેરતાં; તે વખતે ખાદી નહોતી મળતી, પણ અમે સૌ મિલનું કાપડ વાપરતાં. તારી ચૂંદડી ખાદીની લાગે છે, ખરું ?’ વળી ત્રીજી વાત નીકળશે : ‘તમને અંધારામાં ઊંઘ આવે કે નહિ ? મને નાની હતી ત્યારે ખોટી ખોટી બીક લાગતી. પણ એક વાર બાપુએ મને અંધારામાં સુવાડી ને બીક ન લાગી, એટલે પછી બીતી મટી ગઈ.’