લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારી સાથે કેમ નહિ?
 

ગજાનન : “એ ત્રિવેણીબેન તો ભારે વાતો કરે છે. બાળકોનો સ્વભાવ એ બરાબર જાણતાં લાગે છે.”

રમણલાલ : “એ તો આપણે જરા એ તરફ મન કરીએ તો આપણને પણ ધીરે ધીરે સૂઝે. આપણે એ બાબતમાં આંધળા રહીએ છીએ તેથી બધું બગડે છે.”

ગજાનન : “વારુ, રમણલાલ! આજ તો મને ખૂબ નવું મળ્યું. એમ તો મારે હરસુખ અને ચંદ્રા સાથે કેટલી ચે વાત થઈ શકે તેમ છે. તે ક્રિકેટ રમે છે, સિનેમા જુએ છે, નાની નાની વાર્તાઓ વાંચે છે.”

રમણલાલ : “હં, હવે બરાબર નજર પહોંચી. એમાં જ એમની સાથે વાત કરવાનું કેટલું યે છે. ને મજા તો એ છે કે એમના જ વિષયની વાત કરતાં કરતાં આપણે તેઓને ખબર ન પડે તેમ કેટલાં યે નવાં દૃષ્ટિબિંદુ બતાવી શકીએ છીએ. અને એમ ઉપદેશથી કે હુકમથી તેને ગળે ન ઊતરે તેવું આવી આવી વાત વાતમાં તેઓ કેટલું યે લઈ લે છે.”

ગજાનન : “સાચી વાત; સાચી વાત.”

રમણલાલ : “વારુ ત્યારે, આથી વધારે હવે બીજી વાર મળીએ ત્યારે વિચારશું.”

ગજાનન : “વારુ. રામરામ !”