લક્ષ્મીદાસ ડૉક્ટર હતા. ધીકતી પ્રેક્ટીસ હતી; એક
ઘડીની ફુરસદ ન હતી. સવારે ઊઠે ત્યાં તો કોઈ ને કોઈ
બોલાવવા આવ્યું જ હોય | તેમને આ જ કારણે બાળકો
ઊઠે તે પહેલાં નાહીધોઈ, દૂધ પી તૈયાર થઈ જવું પડતું.
એકવાર સવારે ઘરમાંથી બહાર નીકળ્યા પછી તેઓ બાર–સાડાબાર વાગે માંડ માંડ પાછા આવતા. દરદીઓની તપાસ કરતાં કરતાં તે પોતાના ખાનગી દવાખાને દસ વાગે પહેાંચતા, અને ત્યાં પહોંચતા ત્યારે દરદીઓ ક્યારના કંટાળતા બેઠા હોય.
દસથી અઢી કલાક ક્યાં જાય તેની લક્ષ્મીદાસને ખબર જ ન રહેતી; એટલું બધું કામ રહેતું.
બાર સાડાબાર વાગે તે ઘેર આવતા. તેમને માટે જમવાનું ખાસ ઊનું રાખવામાં આવતું. ઘરનાં બાળકોને અગિયાર વાગે બાલમંદિરે જવુ પડતું.
બપોરે બે અઢી કલાક લક્ષ્મીદાસ વિશ્રાંતિ લેતા; પણ ચાર વાગ્યા પછી તો તે ભાગ્યે જ ઘરમાં મળે. વળી પાછી દરદીઓની તપાસ કરવા આવવાની માગણી; વળી પાછું સાંજે પાંચથી છ સુધી પોતાનું દવાખાનું.
લક્ષ્મીદાસ ક્લબના શોખીન હતા. દરદીને ભૂલે પણ ક્લબને ન ભૂલે. બ્રીજ અને બિલિયર્ડ તે કદી પણ પડવા ન દે, રમવામાં અને રમવામાં રોજ તો રાત્રિના નવ વાગે જ; પણ કોઈ કોઈ વાર તો દશ પણ થઈ જાય !