લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
મા બાપ થવું આકરું છે
 

અજાણપણે પોતે કેવી માનસિક સ્થિતિમાં છે તે ધીરે ધીરે જાણતાં શીખવું જોઇએ.

બચીનો અધિકાર હોય કે ન હોય, બચી પાછળ વિકૃત માનસ હોય કે ન હોય, છતાં બચી લેતાં પહેલાં આરોગ્યની દૃષ્ટિને કદી પણ ભૂલવી ન જોઈએ. સગી મા પણ જો પોતાને ક્ષયરોગ હોય તો તે પોતાના બાળકને ભૂલે ચૂકે પણ બચી ન જ લઈ શકે. બચી લઈને પોતાનો રોગ તે બાળકને આપે તેના જેવું ખરાબ કામ બીજું કયું હોઇ શકે ? અને બચી દ્વારા રોગો ફેલાય છે એ બાબતમાં આજે દાક્તરોનો મત મજબૂત છે. બાળકોમાં કેટલા ચે રોગો બચી દ્વારા જ ફેલાય છે.

માબાપનો પ્રીતિનો ઉમળકો બચીથી શમે છે. બચી એ એક કુદરતની બક્ષિસ છે, ઊછળતા હૈયાનો આવિર્ભાવ છે, પ્રેમથી હલમલી રહેલા જ્ઞાનતંતુઓનો વિરામ છે, પ્રેમના અંતરની શાંતિ છે, પ્રેમપાત્ર પર અંતરનો અભિષેક છે ! ટૂંકમાં બચી એ અંતરને અંતર આપવાનો પ્રકાર છે-અને અતરને અંતરથી ઝીલવાનો પ્રકાર છે. આથી ઊભરાતા અંતર વાળી ગાય વાછરડાને ચાટવા લાગે છે; આથી મા પોતાના બાળકને રમતું-હસતું જોઇ હર્ષઘેલી થતાં પોતાનો ઉમળકો બાળક ઉપર એક બચી દ્વારા ઠાલવે છે, અને ન કહી શકાય તેવી અંતર–પ્રેમની ઊંડી કથા અને લાગણી બાળકને કહે છે; અને બાળક પણ જાણે કે સમજી જઈ તેને જાણે કે શેર લોહી ચડ્યું હોય તેમ તે બચીનો આનંદ લઈ પાછું વધારે રમવા લાગે છે.

આવા સ્વાભાવિક સ્નેહના પ્રસંગે બચીને અવકાશ છે. એમાં પણ સૂક્ષ્મ વિકૃત અવસ્થા હોય તોપણ તે ક્ષમ્ય છે;