પણ બાળકને હમેશાં બચી લેવરાવવી કે લેવી ગમતી નથી. બાળકને કોઈ કોઈ વાર બચી લઈએ છીએ ત્યારે તે અત્યંત ત્રાસ પામે છે. એમ જ કોઇ વાર આપણે તેની પાસે બચી લેવરાવીએ છીએ તો તે ના પાડે છે, ને પરાણે બચી લેતાં તે હિજરાય છે. માટે પરસ્પરના પ્રેમાકર્ષણને લીધે જ્યારે બચી લેવા પરસ્પર દોડે ત્યારે જ તેને ખરો અવકાશ છે; ત્યારે જ માબાપને અને બાળકને આનંદઅનુભવ થાય છે. અને છતાં આપણે બાળકને પોતાને ઉમળકો આવે ત્યારે આપણને બચી લઇ લેવાના હક્ક આપીએ. કેમકે નકાર કરવાથી તેને કેટલું નુકસાન થશે તે આપણે સમજીએ છીએ. પણ બાળક અણસમજુ છે માટે તેની લાગણી દુખાય તેવું હોય ત્યારે આપણો તીવ્ર વેગ પણ અટકાવીએ, અને સંયમ વડે આપણી ઉત્કટતા ઊંચે ચડાવીએ.
આ બધું બચીની બાબતમાં વિચારવા જેવું લાગે છે. મથાળે આપેલા નાના એવા પ્રસંગને લીધે આટલું વિચારવાનું સૂઝ્યું.
એટલામાં તો બાળકોએ હાથમોં ધોઈ લીધાં હતાં, અને નાની રસુ પોતાનો ગાલ ઘસીને લૂતી હતી, કેમકે તેને કાકીની બચી બાની બચી જેવી મીઠી નહોતી લાગી; તેને તો બચીની હૂંફ લાગવાને બદલે થૂંક લાગ્યું હતું !