હતો કે તું ધાવણી હતી ત્યારે આમ બન્યું હતું ને તેમ બન્યું
હતું; તારા બાપ કે બા પરણ્યાં ત્યારે અમે આમ કર્યું હતું
ને તેમ કર્યું હતું.” વગેરે વાતો હવેથી સગાંસંબંધીઓ
બાળકોને કરતાં અટકે તે માટે ખૂબ કાળજી લેવી.
સગાંસંબંધીઓ આપણાં માન, મમતા ને આપણી
મહેમાનગતીનાં અધિકારી છે; પણ તેઓનો બાળકો સાથે
વાતો કરવાનો ચાલુ થયેલો હક્ક અતિથિસત્કારની યાદીમાંથી
કાઢી નાખવો જોઈએ.
આપણે ત્યાં આવતા-જતા આડતિયાઓ વગેરે માણસો અગર વટેમાર્ગુઓ સાથે આપણાં બાળકોને પરિચય હોવો જ ન જોઈએ. આપણાં બાળકોને એમ જ કહી રાખવું ઘટે, કે આપણે તેમની સાથે કામ ન પડાય; આપણે તેમની પાસે જવાની અને બેસવાની જરૂર ન હોય. બાળકોને એવી રીતે રાખવાં અને મહેમાનોને એવી રીતે ગોઠવવા કે તેમની વચ્ચે પરિચય થવાનો અવકાશ ન રહે. ધીમે ધીમે બાળકોમાં મહેમાન મહેમાન વચ્ચેનો તફાવત સમજવાની સૂક્ષ્મ ભેદવાળી સંસ્કારિતા કેળવવી. બાળકો સાથે વારંવાર વાતો કરવાથી અને તેમનું વર્તન દોરવાથી બાળકોમાં આ સમજણ પેદા થશે, બાળકો અભિમાની ન થાય, સૂગવાળાં ન થાય, અતિથિ પ્રત્યે ઘૃણાવાળાં ન થાય, તેવી રીતે તેમને ખ્યાલ આવવા દેવો કે આપણાથી અમુક માણસો સાથે એકદમ હળાય-મળાય નહિ. અમુક માણસો સાથે બેસાય–ઉઠાય નહિ. બાળકોના પોતાના દરજ્જાથી એ નીચું જ ગણાય એમ તેમના મનમાં ઉતારવું જોઈએ. આ ઉતારવાની રીત દરેક વિચારી અને સંસ્કારી માતાપિતા પોતાની મેળે જ શોધી શકે છે. અને તે તેમણે શોધી કાઢવી.