હકો અને મર્યાદાઓ સમજી લઇએ તો આપણે બાળકોને બચાવી લઈ શકીએ તેમ છીએ. મિત્રોનાં બાળકો પ્રત્યે કે સગાંનાં બાળકો પ્રત્યે આપણને મમતા હોય અને હોવી જોઇએ; તે પોષવી પણ જોઇએ. મિત્રોનાં બાળકો ધીમે ધીમે આપણાં બાળકોનાં મિત્રો થાય, એ મિત્રપરંપરા અથવા સગપણપરંપરા ઊતરે તે રૂડું છે, અને તે માટે જ આપણાં બાળકોની મૈત્રી બહુ સંભાળથી, બહુ આદરથી, બહુ યોગ્યતાપૂર્વક સાધીએ. આપણાથી મિત્રોનાં બાળકો દૂર રહે તો તેથી આપણે ખોટું ન લગાડીએ. મિત્રનાં બાળકો કે ખાનદાન કુટુંબનાં આપણા શેઠનાં બાળકો આપણી સાથે રમે, હળેમળે તો આપણને ગમે છે; આપણે તેમાં થોડીએક મોટાઇ પણ માનીએ છીએ. પણ તે બધું બાળકોના હિત ખાતર છોડી દઇએ. આજે બાળકો ખાતર સૌએ જેમ ઘણું છોડવાનું છે, બાળકો ખાતર પોતાની યોગ્યતા વધારવાની છે, તેમ જ આ બાબતમાં પણ અવશ્ય કરીએ.
આપણે માબાપો પણ મિત્રોનો સાચો અને સદુપયોગ કરીએ. મિત્રોની આવડતનો, બુદ્ધિનો, કલાપ્રિયતાનો ને સંસ્કારિતાનો લાભ આપણાં બાળકોને જરૂર અપાવીએ. એટલા માટે યોગ્યતાવાળા મિત્રોને ઘરમાં વધારે નજીકનું સ્થાન આપી તેમની વાર્તા, નાટકો, વાતચીત, ખેલો, ગમ્મત વગેરે સાંભળવા જોવાનું બાળકો માટે જરૂર ગોઠવીએ. બાળકો માણસોનાં કેટલેક અંશે ભૂખ્યાં છે; તેઓ બહિર્ જગતનો મહેમાન દ્વારા અભ્યાસ કરી શકે છે. પણ તે ભૂખ સારા અને સાજા ખોરાકથી ટળે તેવું આપણે કાળજીપૂર્વક ગોઠવવું, છતાં સારામાં સારા મહેમાનો વચ્ચે આપણાં બાળકોને કેવળ મૂકી દેવાં અને કેવળ ભરેાંસે ચલવી લેવું એ બહુ ઠીક નથી. સારી વસ્તુની શોધ માટેની ચીવટ