સુમતિબાઇએ લક્ષ્મીબેનને કહ્યું: “બેન! મારે આનું તે કરવું શું? જ્યારે પાટલો નાખશે ત્યારે પછાડીને નાખશે. દસ વારમાં નવ વાર તો એમ કરશે જ કરશે. આ સવિતાથી તો કંટાળી ગઈ !”
લક્ષ્મીબેને પૂછ્યું : “હેં બેન ! તેં કોઈ વાર એને ધીમેથી, પછાડ્યા વિના પાટલા નાખવાનું કહ્યું છે ?”
સુમતિબાઇએ જવાબ આપ્યો “એક વાર નહિ અનેક વાર કહ્યું છે. જ્યારે જ્યારે પાટલો પછડાય છે ત્યારે ત્યારે કહેલું જ છે.”
“પણ બેન ! કોઈ એકાદ વાર જ્યારે પાટલો ધીમેથી મૂકે છે ત્યારે તે કહેલું છે કે ‘હા, આજ તો ઠીક થયું ને પાટલો ધીમેથી નાખ્યો !”
“ના, બા ! એમ તો નથી કહ્યું. ને એમ તે શાનું કહે ? કોઈવાર ભૂલેચૂકે ધીમેથી પાટલો નાખે એમાં શું વળ્યું ?”
“નહિ બેન ! તુ ભૂલે છે. તું જ ભૂલે છે એમ નહિ, પણ આપણે સૌ ભૂલીએ છીએ. બાળકોથી જે ભૂલ થઈ જાય છે તેના જ તરફ આપણે તેનું ધ્યાન ખેંચ્યા કરીએ છીએ; ને તે એટલી બધી વાર ખેંચ્યા કરીએ છીએ, કે બાળકની એવી માન્યતા થઈ જાય છે કે પોતે ભૂલ જ કરે છે તે બીજું તેનાથી કશું બનવાનું જ નથી ! આવી માનસિક સ્થિતિ થતાં બાળક વધારે ને વધારે ભૂલો કરે છે ને વધારે ને વધારે ઠપકા ખાય છે. ખરી રીતે બાળકો જેમ ભૂલો કરે