અને સ્વાભાવિક વૃત્તિને અનારોગી અને માંદી કે વિકૃત કરી નાખીએ છીએ. જ્યારથી આપણે બાળકમાં રહેલી કામ કરવાની, કહ્યું કરવાની, આપણને સાંભળવાની વૃત્તિને રોકીને અટકાવીએ છીએ ત્યારથી ટોકવાનું કામ શરૂ થાય છે. એક વાર બાળકનો સ્વાભાવિક જુસ્સા રોક્યો એટલે તે પાછું પડ્યું; તેને આઘાત પહોંચ્યો; તે પાછું વળ્યું; તેના કાન બંધ થયા; તેના અંતરમાં આપણો અવાજ જતો અટક્યો. આપણે જ તેના કાન બહેરા કર્યા અને આપણે જ તે નથી સાંભળતું તેની ફરિયાદ કરવા બેઠા ! તેનો ઉપાય પૂછવા નીકળ્યા ! આપણે જ તેને માંદું પાડ્યું ને દવા આપવાની શરૂઆત કરી. પરંતુ પ્રશ્ન એ છે કે રોગ લાગુ થયો તેનું શું? જેમ જેમ ટોકણીનો ડોઝ વધારતા જઈએ છીએ, તેમ તેમ તે વધારે ને વધારે નીંભરું થતું જાય છે. અને બરાબર આમાં જ ન સાંભળવાનો, ન માનવાનો માનસિક રોગ જડ ઘાલી બેઠાનું મૂળ છે. બેશક દરેક વધારેલા ડોઝથી બાળક થોડો વખત સાંભળશે, માનશે; પરંતુ જેમ બીજા ઉત્તેજકોથી શરીર આખરે પાછું પડે છે, તેમ જ ગાળો વગેરે ટોકણીથી ઉત્તેજિત થયેલ મન પાછું પડે છે ને વધારે મંદ થતાં વધારે ટોકણી માગે છે. આખરે તો તે સાવ હાથથી જાય છે. તેને કશા શબ્દોની અસર થતી નથી–જેમ આખરે કોઈ પણ દવા પેટમાં રહેતી જ નથી તેમ.
આપણે ટોકણીના ઉત્તેજકોથી બાળકને દૂર રાખીએ. તેને દવાને બદલે હવા આપીએ. તે જ્યારે સ્વાભાવિકપણે આપણું કહ્યું કરવા અને સાંભળવા તૈયાર હોય છે, ત્યારે તેની તેમ કરવાની મરજી અને શક્તિને વધારીએ; અને જ્યારે તેમ કરવાની મરજી ન થાય ત્યારે તેને છોડી જ દઇએ.