લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[૧૫]
અપાવી દે
 

રડતી રડતી ચંદ્રા બા પાસે આવીને કહે : “કનુ પાસેથી કાતર અપાવી દે.”

ચંદ્રા નાની હતી; કનુ મોટી હતી. કનુ કાતરથી કાગળ કોરતી હતી. ચંદ્રાને એની જેમ કરવું હતું.

બાએ ઘાંટો પાડી કહ્યું : “એ કનુ ! આપી દે એને કાતર !”

“બા મારે કોતરવું છે; મારે ભાત પાડવી છે.”

બા કહે : “પણ, આ ચંદ્રા રોવે છે એ જોતી નથી ? આવડી મોટી થઇ પણ નાની બે’નને રોવરાવતાં શરમ નથી આવતી ?”

કનુને કાતર આપી દેવી પડે છે. ચંદ્રા કાગળ લઇ કાપવા બેસે છે.

કનુ ચિત્ર કાઢે છે; વોટરકલરની પેટી અને પીંછી સામે પડેલાં છે. ચંદ્રા કનુ પાસે જઈ બેસે છે ને કહે છે : “મને પીંછી આપ.”

કનુ કહે : “હું નહિ આપું. મારે ચિત્ર કાઢવાં છે. તને પેટી વાપરતાં ન આવડે.”

ચંદ્રા કહે : “હું બાને કહીને તારી પાસેથી લેવરાવીશ. ન આપ તો બાને કહું. જોજે, બા ન અપાવે તો !”

ચંદ્રા બાને કહે છે : “બા ! મને કનુ પાસેથી પેટી ને પીંછી અપાવ ને ? મારે ચીતર કાઢવાં છે.”

બા કહે : “તારે ચીતર ન હોય; તું નાની છો.”