બાળકને સમજાવીને, ફોસલાવી પટાવીને કે કંઈક લાલચ આપીને અપાવી દે છે. કોઈ બા ઘડીકમાં અપાવી દે છે તો ઘડીકમાં અપાવી દેવાની ના પાડે છે; પણ આખરે નાનું બાળક જીદ પર ચડે છે ત્યારે પાછું અપાવી દે છે. કોઈ બા મોટા બાળકની જરૂરિયાત યોગ્ય ગણીને અપાવી દેવાની ના પાડે છે, પણ આખરે નાના બાળકની આજીજી રુદન કે કનડગતને આધીન થઇ અપાવી નાનાને દે છે.
આમ નાનું બાળક વારંવાર મોટા બાળક સામે બાની મદદથી ફાવી જાય છે, ને ફાટી જાય છે. તેના મનમાં વિચાર આવવો જોઇએ કે આની પાસેથી આ લેવું છે કે ‘બસ અપાવી દે!’ તેને અનુભવથી ખાતરી થઈ છે કે બા અપાવી દેવાની છે. કદાચ કજિયા માટે બા મારશે તો પણ તે અપાવશે તો ખરી જ! આવું બાળક ‘અપાવી દેવરાવવાની’ બદીમાં પડે છે, એટલે તે એક જુલમગાર બને છે. તે બીજા બાળકની જરૂરિયાત જોતું કે સાંભળતું કે વિચારતું જ નથી; બીજાને માન આપવાનો વિવેક તેની આગળથી ચાલ્યો જ જાય છે. નબળા સત્તાધારીના હથિયાર તરીકે રુદન, તોફાન વગેરે કરીને અવિચારી ને અવિવેકી કે પોચા મનની બાને તાબે કરે છે. સત્તા વિનાના, પારકી તાકાત ઉપર રહેવાવાળા આપખુદનો તેનામાં સ્વભાવ આવે છે, તેને “કમજોર ગુસ્સા બહોત” કહેવત લાગુ પડે છે.
‘અપાવી દે’માં જે બાળક ફાવે છે તે વિચાર-વિવેક ભૂલે છે, ઉપરાંત ગુલામ બને છે. તે પોતાની યોગ્યતાનો વિચાર નથી કરતું પણ તેને જોઈએ છે માટે પોતે લાયક છે એવો ભ્રમ તેનામાં પેદા થાય છે; અને જ્યારે નથી મળતું ત્યારે તે કોઇનું શરણ શોધી શરણ આપનારને આધીન બને છે.