લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
મા બાપ થવું આકરું છે
 

લાભ નથી. પોતાની કેવળ યોગ્યતાની બહાર જઇ બાળક કઇંક કરવા માગે તો તેમાં તેને નુકસાન જ છે. પોતાની કઇંક યોગ્યતા હોય ત્યારે થતું અનુકરણ શીખવાના પ્રયત્નરૂપે છે. નાનાં બાળકો જ્યારે મોટાંઓ જે કરે છે તે કરી શકતાં નથી, કરી શકવાનાં નથી તે છતાં તેમ કરવા માગે છે, ત્યાં આપણે તેમને તેમ જ કરવા દેવા માટે મોટાં પાસેથી અપાવી દેવું ન જ જોઈએ. કાં તો તેમને મોટાંઓના કામને જોવા બેસારીએ, અગર તેમને તે કામમાં મદદગાર બનાવીને જોડીએ; જેમ કે રંગકામ ચાલતું હોય તો પાણી લાવવાનું કે પીંછી ધોવાનું, અગર તો તે કામને બદલું બીજું તેવું જ કામ તેને આપીએ. ગમે કરીએ પણ બીજા પાસેથી અપાવી તો ન જ દઈએ.

અમુક વસ્તુ બાળકને જોઇએ છે ને તેને જરૂરની છે એમ લાગે ત્યાં પણ, તે જોઇએ છે માટે જ બીજા પાસેથી અપાવી દેવી ન જોઈએ. તેને વસ્તુ મળ્યાનો લાભ થાય તેના કરતાં અપાવી દેવરાવવાની ટેવ પડે તેનું નુકસાન વધારે છે. બાળકને તેવી બીજી વસ્તુ હોય તો આપવી નહિતર તેને તેનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાનું કહેવું. આપણને જોઈએ છે તો ઘણું, પણ જીવનવ્યવહાર જ એવો છે કે જે ઈચ્છ્યું તે તરત જ મળે તેવી શક્યતા નથી. તે જ સામાન્ય નિયમ અહીંથી જ બાળકના ખ્યાલ ઉપર ભલે આવે. બાળકને બીજી ચીજ આપી શકતાં ન હોઇએ, અથવા તો બાળક માગતું હોય તેને માટે તે લાયક ન હોય, તો તેને અણછૂટકે રડવા દઇએ પણ બીજા પાસેથી અપાવીએ તો નહિ જ.

આપણને બીજા પાસેથી અપાવી દેવું સહેલું પડે છે. મોટા બાળક ઉપર હુકમ ચલાવી શકાય છે; તેને સહેલથી