પક્ષપાતી ન્યાયને તો અવકાશ નહિ જ રહે ! ઘણી ખરી વાર બાળકને પોતપોતાનું પોતાની જાતે પતાવી લેવા છૂટાં મૂકીએ છીએ તો તે સામસામે અથડાઈને વહેલાં ઠેકાણે આવે છે, ને આપણે વચ્ચે પડીએ છીએ તો અસંતોષ સાથે એકબીજાંના દુશ્મન બને છે તેને બદલે તે મિત્રો થાય છે અને પોતાની ઈચ્છા ને મર્યાદા ક્યાં રાખવી તે સમજે છે.
ટૂંકમાં અપાવી દેવાની રીતિ યોગ્ય લાગતી નથી; માટે આપણે તે છોડી દઇએ.
ઘરમાં વાતો ચાલતી હતી. ચંપાની બાએ પૂછ્યું : “આ રમુ નાની હતી ત્યારે ‘ટેલો’ તેડો, તેડો, કરતી; ગંગાની પણ એવી જ ટેવ હતી; નટુ પણ એમ જ કરતો. એક આ ચંપા એમ નથી કરતી. એ તો ઊલટી જ્યારે એને તેડીએ છીએ ત્યારે પગ તડફડાવીને કહે છે : ‘માલે હેઠે ઊટલવું છે, માલે હેઠે ઊટલવું છે.’ રવિ નાનો હતો ત્યારે એને તેડીએ તે ન ગમતું. આનું શું કારણ હશે ?”
જરા વિચાર કરી ઇંદુએ કહ્યું : “એક કારણ તો ચોખ્ખું જ છે. મને તો આપણાં બાળકો પરત્વે એ એક જ કારણ લાગે છે. બીજાઓના અનુભવો જાણવા મળે તો વધારે ચોકસાઇથી કહી શકાય.”
ચંપાની બા : “કહો જોઇએ ?”