: ૧ :
“બચીબેન ! જરા દૂર જઈને પેશાબ કરો ને ?”
“ના ના; બાવો લઈ જાય ના ! મારી બા કહેતી હતી કે દૂર જઇએ તો બાવો લઈ જાય. દૂર ન જવાય.”
હું હબકી ગયો ! “માબાપ બાળકોને શું કામ બીવરાવતાં હશે ?”
પણ બીવરાવવું એ તો સાધારણ વાત છે. માબાપોને એમ લાગતું જ નથી કે એથી કાંઇ હાનિ છે.
બાળકે બરફ ખાવાનો કજિયો કર્યો; કજિયો કેમે ઓલાય નહિ. મા કહેશે : “છાનું રહે છે કે નહિ ? મકોડાની કોઠીમાં નાખી દઈશ ! નહિતર આ અંધારી કોટડીમાં પૂરી દઇશ. ઓલ્યા કાળા ગરનાળા પાસે મૂકી આવીશ, ને નહિતર સિપાઈને બોલાવીશ.”
છોકરીને બાએ ઘરેણાં પહેરાવ્યાં. છોકરીને રમવા જવું છે. કાકો કહે છે : “એલી બહાર ન જઈશ, હો કે ? નહિતર બાવો લઈ જશે ઓલ્યો કાબલી ભાળ્યો છે ? નાનાં છોકરાંને તો ચોરણામાં ઘાલીને લઇ જાય છે.”
કોણ જાણે શા ય કારણથી નાનું બાળક રાતે રડે છે. મા તેને ધબ્બો મારી ડરાવે છે: “સૂઈ જાય છે કે નહિ ? ઓલ્યું શિયાળ બોલે છે તેને ખવરાવી દઈશ!”