વિચારો અંતે એમ દોડે છે કે રસોડામાં બા એક અજાણ વ્યક્તિ ન બનવી જોઇએ. બાએ રસોઈ બનાવવાની ખટપટમાં એટલાં બધાં ન પડવું જોઈએ કે નાની લલીઓના શબ્દો તેને સંભળાય જ નહિ; બાએ રસોડામાંથી એટલી હદે નીકળી ન જવું જોઇએ કે છોકરાંને માટે રાંધનાર તો રસોયો ને જમાડનાર તો આયા અથવા ચાકરડી ! બાએ અને બાપાએ એ બાબત પર ધ્યાન રાખવું જોઇએ કે મોટાંઓની વાતો આડે બાળકોને કોઈ સાંભળે જ નહિ, અથવા નાની લલીઓની ઝીણી ઝીણી વાતો મોટા ઘોંઘાટમાં તો ક્યાંઈ પડી રહે, એવું ન બની જાય !
બાળકોને પહેલાં જમાડી લઈ પછી માબાપોએ જમવું કે કેમ એ સવાલ વિચારવા જેવો છે. કેટલાંએક માબાપોનો શોખ એવો છે કે બાળકો અને પોતે સાથે જમે તે તેમને ગમે. એમાં માબાપોની કુટુંબભાવના પ્રધાન છે. સાથે જમવા બેસવું એ એક કુટુંબગત આનંદ છે. જ્યાં બાળકોને અને માબાપોને સાથે બેસવાની સારી વ્યવસ્થા હોય, જ્યાં માબાપો જમતી વખતે માત્ર સાથે ખાય એમ નહિ, પણ સાચે જ સાથે જમે – એટલે બાળકોની દુનિયા સાથે ભળી જઈ તેમના આનંદમાં વધારો કરીને જમે, ત્યાં આ રીત સુંદર છે. ઉદ્યોગી માબાપો એકીસાથે બાળકોના પ્રસંગમાં દિવસ આખામાં થોડાં આવે છે. ત્યાં જમવાનો પ્રસંગ સૌને એક સામાન્ય આનંદનો બની શકે. બુદ્ધિશાળી અને ભાવનાશાળી માબાપો જમવાના સ્થળને ભારે આકર્ષક અને પ્રેરાણાત્મક બનાવી શકે-બાળકોને માટે શરીરનો તેમ જ મનનો ખોરાક મેળવવાનું સ્થાન બનાવી શકે.
બાળકોને જમાડી દેવાનાં પણ કેટલાંએક કારણો તપાસીએ. માબાપોને મોડું જમવાનુ રહેતું હોય અગર માબાપો સાથે