ઇતર જમનારાંઓ હોય, અર્થાત્ જ્યારે બાળકોને માબાપ સાથે જમાડવાનુ અનુકૂળ ન હોય, ત્યારે બાળકોને વહેલાં જમાડવાનું જરૂરનું છે. બાળકો માબાપો સાથે જ એમ વળગી રહેવાની જરૂર નથી. પણ બાળકોને જમાડવાં એટલે એક ઉપાધિમાંથી મુક્ત થવું અને પછી નિરાંતે, શાંતિથી આનંદથી ફડાકા મારતાં જમવું, એ ખરાબ વૃત્તિ છે. બાળકો આપણને જમવામાં કનડે છે માટે કાઢો તેમને જુદાં, એ સ્વાર્થદૃષ્ટિ ત્યાજ્ય હોય તો તો બાળકોને સુવ્યવસ્થિતપણે, શાંતિથી, સફાઇથી જમતાં શીખવવાની અને સાથે જ બેસવાની આપણી ફરજ છે. આપણે માટે જેમ જમવું આવશ્યક ક્રિયા છે, તેમ જ બાળકો પરત્વે સમજવું. ઉપરાંત બીજાં કારણોસર બાળક આગળપાછળ બેસી શકે છતાં જમવાની વ્યવસ્થા, શાંતિ, બાની પ્રેમપ્રેરણા, બાપાનો ઉત્સાહ વગેરે તો તેમને મળવાં જ જોઈએ, છતાં બા જમાડનાર હોય ને બાળક જમનાર હોય એમ બનતું અટકવું ન જોઈએ. બાની કે બાપાની હાજરી અને દેખરેખ તો અવશ્ય જોઇએ જ જોઇએ. બાળકો જમે એ બસ નથી; પરંતુ બાળકો સંસ્કારી વાતાવરણમાં, હૂંફમાં વાર્તાવિનાદ સાથે જમે એ જરૂરનું છે; નાની લલીની ઝીણી ઝીણી વાતો જ્યાં સંભળાય તેમ જમે એ જરૂરનું છે.
નાની લલીના થોડાએક શબ્દોએ મારી પાસે જે છૂટાછવાયા વિચારો કરાવ્યા તે અહીં ટાંક્યાં છે. માબાપો તે વાંચે અને પોતાના વિચાર ઘડે.