પૃષ્ઠ:Mabapone.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
૯૭
 

ખાવા ન જ દો એમ મને ખાતરી છે. તો પછી તમે એવા વધેલા નખ જરૂર ઉતારતાં રહેશો એમ આશા રાખું છું.

: ૪ :
બાળકને મારવું નહિ

હવે એક અગત્યની વાત મારે તમને કહેવાની છે. તે એ કે બાળકને કદી પણ મારો નહિ. તમને લાગતું હશે કે માર વગર તો ચાલે જ કેમ ? છોકરાં વારે વારે માથું ખાઈ જાય, કવરાવી મૂકે, તોફાન કરે, તેમને વળી માર્યા વગર કેમ ચાલે ? પણ હું કહું છું કે અમારા બાલમંદિરમાં આવીને જોઈ જાઓ. અમે તેમને બિલકુલ મારતાં નથી; અને પચાસ જેટલાં છોકરા છોકરીઓ છે તે બધાં અમારું કહ્યું કરે છે. તેઓ અમને ભૂલતાં નથી; તેમને ઘેર જાય છે ત્યાં પણ તેમને અમારાં સ્વપ્નો આવે છે. તે માટે અમારી પાસે કાંઈ જાદુ નથી, કાંઈ મંતરજંતર નથી, કાંઈ ઈલમ લગાડી દીધો નથી; પણ તેનું કારણ અમે કદી મારતાં નથી તે જ છે.

બાળકો તો પ્રભુને ઘેરથી આવેલા નાના દેવો છે. તમે જાણો છો કે બાળક માટે તો આપણે પથ્થર એટલા પ્રભુ કરીએ છીએ. બાળકો ઘરનું ઘરેણું છે, બાળકો ધનનો અમૂલ્ય ખજાનો છે, બાળકો દેશનું જવાહીર છે. એવાં મોંઘાં બાળકોને મારવાનું શું તમે પસંદ કરશો ? પ્રભુએ પ્રેમથી આપેલાં બાળકોને મારતાં તમારે ડરવું જોઈએ કે તેમને મારવાથી બાળક ખોઈ બેસશું. બાળકને ખાતર તમે પ્રથમ તો મોટી મોટી માનતાઓ કરો છો; પણ બાળક સાંપડ્યા પછી એ બધું ભૂલી જઈને બાળકને મારવું માત્ર ભૂલતાં નથી !

હું જાણું છું કે મારવાની તમને કાંઈ હોંશ થતી નથી; તેમ જ કોઈ શાસ્ત્રમાં બાળકને મારવાથી પુણ્ય થવાનું પણ લખેલું