પૃષ્ઠ:Mabapone.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની ગંદી રમતો
૧૨૯
 

પ્રવૃત્તિને આધીન બને છે. વિકૃતિ કે નઠારી પ્રવૃત્તિ એ સારી પ્રવૃત્તિને રોકવાથી બનેલું ઝેર છે. વહેતા પાણીને રોકવાથી તે ગંધાય છે ને રોગનું કારણ બને છે, તેમ જ પ્રવૃત્તિને રોકવાથી તેમાં વિકૃતિ થાય છે ને તેને પરિણામે બદીઓ પેદા થાય છે.

બાળકોમાં પણ એ જ રીતે જ્યારે તેમને કશું જ કરવાનું મળતું નથી, જ્યારે તેમને ઘરમાં કંઈ પ્રવૃત્તિ મળતી નથી કે જેમાં તેમને હાથ, પગ, આંખો, મન, બુદ્ધિ વગેરે વાપરવાં પડે, અને જ્યારે તેમને માથે માત્ર પાઠો જ કરવાનું આવી પડે છે, ત્યારે તેમની પ્રવૃત્તિનું પવિત્ર ઝરણું વહેતું વહેતું અટકી પડે છે અને તેમાંથી ગંદકી ને સડો ઉત્પન્ન થાય છે. સંગદોષથી ઉત્પન્ન થયેલી બદી પણ ત્યારે જ વિજય મેળવે છે કે જ્યારે બાળકોને પ્રવૃત્તિ મળતી નથી. તે બદી વધે છે પણ ત્યારે જ કે જ્યારે માબાપો બદીને કાઢવા માટે બાળકોના હાથમાંથી બધું કામ ઝૂંટવી લઈ તેમને એક ખૂણામાં પાઠ કરવા બેસાડી દે છે. વળી જે મોટાંઓમાં આ બદી પ્રગટ થઈ નાનાંઓને તે મળે છે, તે બદી મોટાઓમાં ઉત્પન્ન થવાનું કારણ પણ એ જ છેઃ પ્રવૃત્તિનો અભાવ, ખોટી નવરાશ, પ્રવૃત્તિની રુકાવટ, પ્રવૃત્તિનો વિરોધ.

હવે આપણે જાણીએ છીએ કે બાળકોને આપણે કશી પ્રવૃત્તિ આપતાં નથી કેમ કે આપણે સમજી શકતાં નથી કે આપણે શી પ્રવૃત્તિ આપવી. બાળકો ઘણી ઘણી પ્રવૃત્તિઓ કરવા માગે છે, પણ તે તો આપણે જુદાં જુદાં કારણોથી રોકીએ છીએ. આપણે માનીએ છીએ કે અમુક પ્રવૃત્તિઓ બાળકોથી ન થાય. કારણ કે તે તેમને આવડે નહિ; કારણ કે તેમ કરતાં તેમને શરીરે નુકસાન થઈ જાય; કારણ કે તેમ કરતાં ચીજો, વાસણ, કપડાં વગેરે