પૃષ્ઠ:Mabapone.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
માબાપોને
 


એ તો ગૃહસ્થોનો મોંઘો મહેમાન છે. એની શુશ્રૂષા ન આવડે તો ગૃહસ્થાશ્રમ ઊંધો જ વળે.

લક્ષ્મી તો બાળકના કંકુ જેવા રાતા પગલે ચોંટેલી છે.

પ્રેમ તો એના પ્રફુલ્લ વદને છે.

શાંતિ ને ગંભીરતા એની મીઠી હાસ્યમધુરી નિદ્રામાં છે.

એના કાલાકાલા બોલમાં કવિતા વહે છે. એ દૈવી કવિતા આ માનવી-દુનિયામાં લાંબો વખત નથી રહેતી એ જ ખેદની વાત છે !

એની વાણીમાં કોઈએ વ્યાકરણના દોષો કાઢ્યાનું જાણ્યું છે ?

એની સાથે વાત કરવામાં તો મોટાંઓ પણ ખુશીથી, વ્યાકરણજ્ઞાનના કડક નિયમોનો પણ ત્યાગ સ્વીકારે છે; અને અવૈયાકરણી ભાષા બોલવા ઘણી વાર તો નિષ્ફળ પ્રયત્ન કરે છે.

વ્યાકરણબદ્ધ વાણી જ્યારથી બાળક બોલે છે ત્યારથી તેની વાણીની મીઠાશ ઘટે છે.

બાળક જેમને વહાલું ન લાગતું હોય તે માત્ર ઈશ્વરના દુશ્મન છે. અભાગિયા જ “આ તો ગંદું બાળક !” કહી તેની સામે જોતા નથી. બાળક તો તેના તરફ પણ લાંબા હાથ કરે છે.

શીદીભાઈને તો શીદકાં વહાલાં હોય જ; પ્રભુગામીને પણ શીદકાં વહાલાં હોય. ઘણાઓ બાળકોથી દૂર જ નાસે છે. આપણાથી તેમને પામર કેમ કહેવાય ?

બાળક માતાપિતાનો આત્મા છે.

બાળક ઘરનું ઘરેણું છે.

બાળક આંગણાની શોભા છે.