પૃષ્ઠ:Mabapone.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આપણાં બાળકોની ખાતર
૧૭
 


શું બાળકો ખાતર આપણે આટલું પણ નહિ કરીએ ?

ક્લબમાં જવાનું છોડી દઈને એને બાગમાં ફરવા નહિ લઈ જઈએ ?

મિત્રોને મળવાહળવાનું માંડી વાળી બાળકને સંગ્રહાલયો અને બજાર જોવા નહિ લઈ જઈએ ?

છાપું વાંચવાનું જરા મોકૂફ રાખી તેમની કાલીઘેલી વાતો નહિ સાંભળીએ ?

એક ઘડીક વાર પણ ધંધાના વિચારો અને અભ્યાસનાં પોથાંને કોરે મૂકી એને મીઠી મીઠી વાતો કહીને નહિ ઊંઘાડીએ ?

શું એમની ખાતર આપણા પોકળ તરંગો અને આરામપ્રિયતાને જરા રજા આપી એમને નાનાં નાનાં ગીતો નહિ સંભળાવીએ ?

બાળકો આપણને વહાલાં હોય તો આટલું આપણાથી ન જ થાય :

આપણાથી એને ટોકાય નહિ. આપણાથી એનું અપમાન થાય નહિ. આપણાથી ભોજન સમયે તો એના પર ગુસ્સે થવાય જ નહિ. સૂતી વખતે આપણાથી કોઈ કારણસર એને ન જ રડાવાય.

જમતી વખતે બાળકના આનંદનો વિચાર કરીએ. સૂતી વખતે બાળકનાં સુખી સ્વપ્નોના ખ્યાલ કરીએ. ખાવા દ્યોને બાળકને જે શીજે તે – એને જે રુચે તે ! રમવા દ્યોને બાળકને જ્યાં સુધી તે રમે ત્યાં સુધી !

આ ખા, પેલું બા, એમ કહેવામાં શું હાંસલ છે ? ટાપલી મારીને સુવારી દેવામાં કાંઈ કમાણી છે ખરી ?