પૃષ્ઠ:Mabapone.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
માબાપોને
 


નિર્ણય તો અનુભવી માતા જ કરે છે. માતાની આંખને ગમે તે સૌને ગમે. વરઘોડો કે સભાને યોગ્ય કપડાં બાળકે ન પહેર્યાં હોય તો આબરૂ તો માતાની જ જાય ? નાનાં બાળકોની શી પ્રતિષ્ઠા ?

માબાપોની પ્રતિષ્ઠા જાળવવાનાં બાળકો તો સાધનો !

માબાપોની દંભવૃત્તિ અને અભિમાનવૃત્તિ સંતોષવાનું બાળકો તો સાહિત્ય !

ઘરડી મા ન પહેરી શકે ત્યારે બાળકોને લાદે. માને સોગ હોય તો બાળકે મજા કરવી !

બાળકો તો છેક નાનાં નમાલાં ! એને રંગનું ભાન ક્યાંથી ? એને વળી કલાની કદર શી ? એને સૌંદર્યનો ખ્યાલ હોય જ શાનો ? એ તો માબાપની મોટી મોટી ઢીંગલીઓ. માબાપ પોતાની મરજી પ્રમાણે બાળકને શણગારે ને તેને જોઈ રાજી થાય; તેને રમાડે ને જમાડે. આટલુંય બહુ સારાં ગણાતાં માબાપોનાં બાળકો પામે.

બાળકોને તો ઘણું નાગા રહેવું ગમે; પણ શિષ્ટાચારનું શું ? માબાપો શિષ્ટાચારની ગુલામીમાંથી છૂટે તો જ બાળકને છોડાવી શકે ના ?

ભલે ઘામ થાય, પણ કપડાં તો પહેરો, ભલે શરીરની હરવાફરવાની છૂટ અટકે, પણ કપડાં તો પહેરો. કપડાં વિનાનું બાળક કેવું ભૂંડું લાગે ? એના સુંદર શરીરને કૃત્રિમ વેશથી ઢાંકીએ ત્યારે જ આપણને નિરાંત થાય, ને ત્યારે જ આપણી કલાબુદ્ધિનું દીવાળું નીકળે !

પણ બાળક રહ્યું સામાજિક પ્રાણી. સમાજના બધા નિયમો તેણે જાણી લેવા જ જોઈએ ના ? જો નાનપણથી કપડાં પહેરતાં ન શીખે તો મોટપણે નાગું રખડે, તો ?

બાળક કુદરતનું બચ્ચું. ખુલ્લી હવા ને બાલસૂરજનો તડકો,