પૃષ્ઠ:Mabapone.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
માબાપોને
 


વકીલાત પણ ન ચાલી. બિચારી અમને જણાવે છે કે “પરણું ત્યારે કામબામ આવડવું જોઈએ ના ?” “હવે મારે એને કામ શીખવવું જોઈએ ના ?” – આમ કહીને એની બા એને બાલમંદિર આવવા નથી દેતાં. કેવી દયામણી અને ભયંકર સ્થિતિ! અમારું તો કેમ જાણે પ્રિય ફરજંદ ગુમ થયું હોય ! અમારી છાતીને અમારે ઠેકાણે રાખવી પડે છે, પણ એમાં અગ્નિનો ધૂંધવાટ થઈ રહ્યો છે. એક વાર એ ફાટી નીકળતાં જૂની શિક્ષણ– માન્યતાને અને લગ્નની રૂઢિને તથા માબાપોને સૌને બાળી મૂકશે. અમારા દેશના ભાવિ ચિત્રકારોને ગુમાવતાં અમારા મનમાં શું થતું હશે ? દેશને કેટલું બધું નુકસાન થાય છે, તે કોઈ જાણશે ? છતાં માબાપો એમનાં બાળકોના ભવિષ્યમાં કદી પણ નાસીપાસ ન થાય એવો જ અમારા હૃદયમાંથી ઉદ્‌ગાર નીકળે છે. કારણ કે ઊઠી ગયેલાં બાળકો પણ અમારાં તો રહ્યાં છે, અને અમે તેમનાં જ છીએ. અમને તેમણે વારંવાર ખાતરી કરી આપી છે કે તે અમારાં જ છે અને અમે તેમનાં જ છીએ !

જે માબાપો આ મંદિર છોકરીઓને માટે વધારે સારું છે, અને છોકરાઓને ઉપયોગી શિક્ષણ થોડું મળે છે એમ ધારી છોકરાઓને ન મોકલતાં છોકરીઓને મોકલે છે, તેમની ગેરસમજણ દૂર થવી જોઈએ. અહીં તો છોકરો અને છોકરી બન્ને સરખાં જ છે. અહીં તો જે જેને માટે લાયક હશે તે તે શીખશે; જેને ભૂખ લાગી હશે તે ખાશે. છોકરીઓને માટે આ વધારે સારું ને છોકરાઓને માટે નથી સારું, એવો નિર્ણય કરવાનો ડોળ અમે નથી કરતાં. સમાજ એવું માનીને રાક્ષસ ઊભો કરવાનું સાહસ નથી ખેડતો ? એવાં બાળકોને બચાવી સમાજ બચશે કે એની સાથે સાથે પોતે પણ મરશે જ ?