પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એક કાગળમાંથી — ઘણું કરીને એ કાગળ દેવદાસભાઈ ગાંધીનો હતો — મળેલી હકીકત ‘નવજીવન’માં નીચે પ્રમાણે છપાઈ હતી :

“ગઈ કાલે અમે જેલ ઉપર ગયેલા પણ એમને મળવાની રજા ન મળી. ખાવાનું, ઓઢવાનું અને ચોપડીઓ પણ લઈ ગયેલા પણ તે જેલરે પાછાં વાળ્યાં. આજે સવારે અમે મહાદેવભાઈને મળી શક્યા.

“એમને સામાન્ય ગુનેગારની પંક્તિમાં રાખવામાં આવ્યા છે અને જેલના બધા નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. કપડાં જેલનાં પહેરાવ્યાં છે. એક કોણી સુધીની બાંયનું કાળું પહેરણ અને ચડ્ડી. આ કપડાં અતિશય મેલાં વાસ મારતાં અને જૂઓથી ભરેલાં છે. બે કામળો આપવામાં આવી છે, જેને મહિનાઓ સુધી પાણીનો સ્પર્શ પણ નહીં લાગ્યો હોય. તે પણ જૂઓથી ભરપૂર.

“પાણી માટે એક કટાઈ ગયેલું લોઢાનું વાસણ આપવામાં આવ્યું છે. દરેક વખત અંદરથી કાટ ઊતરીને થોડી જ વારમાં પાણીને ઝેરી કરી મૂકે છે. રાત્રે પીવા માટે તે પાત્રમાં પાણી રાખી શકાય જ નહીં. સવારે તે પીળું થઈ ગયેલું હોય છે.

“નાહવાને એક મેલો કુંડ છે. તેનું જ પાણી પીવામાં પણ વપરાય છે. નાહતી વખતને માટે એક લંગોટ હોય છે, પણ શરીર લૂછવાને માટે કાંઈ નહીં. તડકામાં શરીર સુકાયા પછી એનાં એ જ ઉતારેલાં કપડાં પાછાં પહેરવાનાં. અહીંની ટાઢમાં મહાદેવભાઇ જેવી તબિયતવાળા ભીને બદને

૯૩