પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થયું કે આવું શું કામ વંચાવતા હશે ? મણિશંકર માસ્તર કહે : “એમાં છેલ્લો અધ્યાય છે તેમાં જ્ઞાનની વાત છે પણ આ લોકો એ જાણી જોઈને વાંચતા નથી. એને અશુભ ગણે છે.” પછી તો માસ્તરે સંસ્કૃત ગરુડપુરાણ મંગાવી આપ્યું અને મહાદેવ અથથી ઇતિ સુધી એ વાંચી ગયા. તેનો અંતિમ અધ્યાય એમને બહુ જ શાંતિપ્રદ લાગ્યો. એમણે કહ્યું : “આમાં તો આગલી બધી વાત ઉપર પાણી ફેરવ્યું છે.” છોટુભાઈ કહે : “આ વાંચે તો ભૂખે ન મરે ? આપણા પુરાણીઓ ડાહ્યા ને વ્યવહારુ છે એટલે જ નથી વાંચતા.”

ભાઈ મહાદેવે આ વિષે ‘નવજીવન’માં એક લેખ લખ્યો છે. અને ગરુડપુરાણના એ ન વંચાતા અધ્યાયના અર્કરૂપ શ્લોકો ભાષાંતર સાથે તેમાં આપ્યા છે. ( જુઓ ‘નવજીવન’ પુ. ૪થું, ખાસ અંક ૨૧મો, તા. ૨૬ જુલાઈ, ૧૯૨૩. ).

૧૦૧