પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






માતાપિતા

મહાદેવભાઈનો જન્મ ઈ. સ. ૧૮૯૨ના જાન્યુઆરીની પહેલી તારીખે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ નામના ગામડામાં થયેલો. પિતાશ્રી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ત્યાં નોકરી કરતા હતા. તેમનું વતનનું ગામ દિહેણ. તે પણ ઓલપાડ તાલુકામાં સુરતથી દસ માઈલ દૂર છે. મહાદેવના પહેલા ત્રણભાઈ માતાનું દૂધ ન આવવાથી નાનપણમાં જ ગુજરી ગયેલા. મહાદેવ પેટ રહ્યા ત્યારે પહેલેથી એમનાં બાને દવા વગેરે આપી તંદુરસ્તી સાચવવાની તજવીજ પિતાશ્રીએ કરેલી. તેમનાં બાએ તે વખતે સરસથી એકાદ માઈલ દૂર સિંહનાથ મહાદેવનું મંદિર હતું તેની પૂજા કરવાનો નિયમ રાખ્યો હતો અને સંકલ્પ કરી રાખ્યો હતો કે છોકરો આવશે તો મહાદેવ નામ રાખીશ અને છોકરી આવશે તો પાર્વતી રાખીશ. ભાઈ મહાદેવનું રાશિ ઉપરથી નામ ‘જ’ ઉપર આવેલું પણ આ સંકલ્પ પ્રમાણે માતુશ્રીએ મહાદેવ નામ રાખ્યું અને તે જ ચાલુ રહ્યું.

મહાદેવનું કુટુંબ ટીલવાના નામથી ન્યાતમાં ઓળખાતું. બાપદાદા ભગત અને ટીલાંટપકાં કરતા તેથી ટીલાવાળા—