પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પારસીનો માર ખાવાના. છોટુભાઈએ હિંમત રાખી કહ્યું : “સાહેબ વિલાયતના નથી, મદ્રાસ તરફના છે. હમણાં જ તાજા પાસ થઈને આવેલા છે.” એમ કહી વધુ થોભ્યા વિના ઝટપટ ત્યાંથી ચાલતી પકડી. પણ નિશાળે જવાનો રોજનો રસ્તો એ માંડવા પાસેથી હતો. એટલે મહાદેવ કહે: “હવે એ રસ્તે નહીં જવાના, આપણને એ પારસી હવે ઠોકવાનો છે.” થોડા દહાડા મોટી સડકને રસ્તે ચકરાવો ખાઈને જવાનું રાખ્યું.

અડાજણના માઠા અનુભવ

આમ અડાજણના દિવસો આનંદમાં પસાર થતા હતા. જોકે તેની સારી બાજુની સાથે થોડી નબળી બાજુ પણ હતી. ગામમાં કેટલુંક વાતાવરણ અતિશય અસંસ્કારી અને મલિન હતું, તેના થોડા છાંટા ઊડ્યા વિના ન રહ્યા. જમીન બહુ ઉપજાઉ અને લોકો શહેરમાં શાકભાજી અને દૂધ વેચે એટલે બે પૈસા કમાય પણ ખરા. પણ એ ધનની સાથે શહેરના નજીકપણાને લીધે શહેરના સડા પણ ગામમાં આવેલા. કોઈ કોઈ છોકરા તો શહેરમાં જઈને બગડી આવે અને જાણે મોટું પરાક્રમ કરી આવ્યા હોય તેમ એની વાતો કરે. એક પર બીજી કરવાની, બૈરાંને કાઢી મૂકવાની, એવી બધી વાતો પણ સાંભળવાની મળે. પોંકની મોસમમાં સુરતથી સહેલાણીઓ પોંક ખાવા આવે તેઓ પણ સાથે શહેરનો કંઈક ગંદવાડ લાવે. આ બધું તે વખતે પૂરું સમજેલા નહીં. પણ તેની અસર કુમળા મન ઉપર પડ્યા વિના ન રહે. એક વખત તો એક છોકરાએ મહાદેવને રાતે કઈ

૨૧