પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેઓ મહાદેવભાઈ ઉપર વાત્સલ્યભાવ રાખતા અને તેમનું આખું કુટુંબ મહાદેવભાઈને કુટુંબીજન ગણતું.

ગર્ભશ્રીમંત સ્વભાવ.

ગરીબાઈનો આવો અનુભવ થતાં કેટલાક માણસોના દિલમાં થોડીઘણી કટુતા આવી જાય છે, ધનનું મહત્વ તેમને વધારે ભાસે છે અને ધનની ઝંખના પણ રહ્યા કરે છે. પણ આ જાતની કોઈ પણ વૃત્તિ મહાદેવના દિલમાં કદી પ્રવેશ મેળવવા પામી નહોતી. ગોવર્ધનરામે ગર્ભશ્રીમંતનો જે ખાસ અર્થ ‘સરસ્વતીચંદ્રમાં’માં કર્યો છે કે અર્થની જે ઝંખના ન કરે અને આર્થિક ન્યૂનતાને કારણે જેનું મન જરા પણ ઉદ્વેગ ન પામે, એ અર્થમાં તેઓ સ્વભાવે જ ગર્ભશ્રીમંત હતા. કૉલેજમાં હતા તે વખતે મહાદેવભાઈના વ્યક્તિત્વની પોતાની ઉપર કેવી છાપ પડી હતી તેનું વર્ણન કરતાં શ્રી વૈકુંઠભાઈ લખી જણાવે છે :

“કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબંધ મીઠો હોય છે તેમ કડવાશનો અનુભવ પણ થાય છે. ચાર વર્ષ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં સાથે ગાળ્યાં તે દરમ્યાન એક્કે આકરો અથવા કઠોર શબ્દ તેમની પાસેથી સાંભળ્યાનું સ્મરણ નથી.

“ગાંભીર્ય શરૂઆતથી જ તેમનું મુખ્ય લક્ષણ હતું. વિદ્યાર્થીઓના જીવનમાં વિનાદ હોય છે તેનાથી તેઓ રહિત હતા એમ હું સૂચવતો નથી. પણ અધ્યાપકો અગર સહાધ્યાયીઓની નિંદા અથવા તો રમતગમતનો ચડસ તેમનામાં મેં જોયાં નહોતાં. જ્યારે મળવા અને વાત

૨૮