પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ગરીબાઈનો અનુભવ

એટલામાં બોર્ડિગમાં પ્રવેશ મળ્યો. તેની સાથે કૉલેજની એક સ્કૉલરશિપ પણ મળી એટલે પિતાશ્રી ઉપર જરા પણ બોજો નાખવાપણું ન રહ્યું. લગભગ આવી જ મૂંઝવણ ઈન્ટર પાસ થયા પછી અનુભવેલી. ગો. તે. બોર્ડિંગમાંથી રહેવાનું, ખાવાનું, કપડાં તથા કૉલેજની લગભગ અડધી ફી (મુંબઈમાં જે કૉલેજની ઓછામાં ઓછી ફી હોય તેટલી બોર્ડિંગ તરફથી મળતી. વિદ્યાર્થીને ભારે ફી વાળી કૉલેજમાં જવું હોય તો વધારાની ફી પોતે આપવી પડતી.) એટલું મળતું. પણ ચોપડીઓનું, ટ્રામલોકલનું, ચાનાસ્તાનું એમ બીજું પરચૂરણ ખર્ચ થાય તે સ્કૉલરશિપમાંથી કાઢતા. ઇન્ટરની પરીક્ષામાં સ્કૉલરશિપ મેળવવા માટે જોઈએ તે કરતાં એક નંબર નીચે આવ્યા. એટલે અભ્યાસ ચાલુ રાખવો કે કેમ તેની મૂંઝવણમાં પડ્યા. પિતાશ્રીને ખબર નહીં આપેલી. કારણ કે તેઓ તો કોઈ પણ ભોગે અભ્યાસ ચાલુ રાખવાનો આગ્રહ કરે એમ હતા. પહેલા વર્ષથી જ શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા મહાદેવભાઈના સહાધ્યાયી હતા, એને બેને સારી દોસ્તી બંધાઈ ગઈ હતી. એ મહાદેવ કરતાં ઉપલે નંબરે પાસ થયેલા એટલે એમને સ્કૉલરશિપ મળતી હતી. પણ મહાદેવની મૂંઝવણની ખબર પડી એટલે પોતાના પિતાશ્રીની પરવાનગી મેળવીને, જે એમણે સહર્ષ આપી હતી, મહાદેવને તેમ કૉલેજમાં બીજા કોઈને કશી જાણ કર્યા વિના મહાદેવભાઈના લાભમાં પોતાની સ્કૉલરશિપ જતી કરી. સર લલ્લુભાઈ જેમને એમના દીકરાઓની જેમ મહાદેવભાઈ પણ લલ્લુકાકા કહેતા

૨૭