પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એમના દીકરા નારાયણ સાથે ફરવા જતા હતા. ત્યાં કોઈ વૈરાગી જેવો માણસ કોઈક વિચિત્ર રીતે અનિમેષ દૃષ્ટિએ જોઈ રહેવાના અને એવા બીજા ચાળા કરતો જોવામાં આવ્યો. મહાદેવ તો રોકાઈને એનું નિરીક્ષણ કરવા લાગ્યા. નારાયણ આગળ ચાલવાનો આગ્રહ કરવા લાગ્યો. મહાદેવભાઈ કહે, “પેલો સાધુ કોઈ ચમત્કારી હોવો જોઈએ. એ ત્રાટક કરતો લાગે છે. આપણે એને મળવું જોઈએ.” નારાયણ કહે, “કાકા, તમને તો જેના તેના ઉપર શ્રદ્ધા બેસી જાય છે. આપણે કાંઈ ત્યાં જવું નથી.” એમ કહી એ એમને આગળ ઘસડી ગયો. છેવટે મહાદેવે બીજા કોઈની મારફત એની તપાસ કરાવી અને એ કોઈ ધૂર્ત નીકળ્યો. કોઈ સિદ્ધિની અને ચમત્કારની, ચમત્કારી દવાના પ્રયોગોની કે મંત્રતંત્રની વાત કરે તો એમાં પણ મહાદેવભાઈ લેવાઈ જતા. એમનામાં કદી પોતાનો અંગત સ્વાર્થ સાધવાની વૃત્તિ હતી જ નહીં તેથી જ આવામાં ફસાઈ જતા બચ્યા છે અને કશું માઠું પરિણામ નથી આવ્યું.

૪૮