પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરી. ઘરમાં જ એક અજાણ્યા માણસ સૂતેલા એટલે પેલી સ્ત્રીએ પોતાનાં ડૂસકાં દબાવવા બહુ પ્રયત્ન કરેલોલા પણ મહાદેવ એ સાંભળી ગયા. મનમાં તો થયું કે ઊઠીને પેલાને સીધો કરું, પણ આટલી મોડી રાતે વરવહુની વઢવાડમાં વચ્ચે પડવાનું ઠીક ન લાગ્યું. એને વિષે પણ બહુ કડક રિપોર્ટો મહાદેવે કરેલો. મહાદેવના આવા રિપોર્ટો સરકારી રજિસ્ટ્રારને વધારે પડતા આકરા લાગતા. તેમને થતું કે સહકારી પ્રવૃત્તિ માંડ માંડ શરૂ થાય છે ત્યાં આવું કડકપણું રાખીશું તો મંડળીઓની સંખ્યા વધારી શકીશું નહીં. ભાઈ મહાદેવના દિલે આ વિચારસરણી સામે બળવો કર્યો. વળી સખત રખડપટ્ટીથી પણ એ કંટાળ્યા હતા, એટલે આ નોકરી છોડી દીધી.

હોમરૂલ લીગ સાથે સંબંધ

તે વખતે પહેલું વિશ્વયુદ્ધ પૂરજોશમાં ચાલતું હતું અને હિંદ પાસેથી વધારેમાં વધારે મદદ મેળવવાની ઇંગ્લંડને ગરજ હતી. તે વખતના ભારતમંત્રી મિ. મોન્ટેગ્યુએ એક ભાષણ કર્યું તેમાં જણાવ્યું કે યુદ્ધ બંધ થયા પછી હિંદુસ્તાનને પહેલી તકે આપણે સ્વરાજ્ય આપવું જોઈએ, હિંદુસ્તાનનું અત્યારનું રાજ્યતંત્ર જડ કાષ્ઠવત્ થઈ ગયેલું છે, વગેરે. આ ભાષણની હિંદી રાજદ્વારી પુરુષોના મન ઉપર બહુ ભારે અસર થયેલી. મુંબઈ હોમરૂલ લીગે શ્રી બ્રેલ્વી મારફત મહાદેવભાઈ પાસે આ ભાષણનો અનુવાદ કરાવીને છપાવ્યો. એ અનુવાદ એટલો સરસ થયેલો કે શ્રી શંકરલાલ બૅંંકરને એમ થયું કે મહાદેવને હોમરૂલ લીગમાં જ રાખી

૬૬