પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજે નારણદાસભાઈને अ-ब ને વિષે બાપુએ એક મહા ગંભીર પ્રશ્ન ઊભો કરનારો કાગળ લખ્યો. ની પશુતાની સામે આખરી ઉપાય તરીકે છે, નું sterilization (વંધ્યકરણ ) અથવા ને birth control ( ગર્ભનિરોધ)ના ઉપાય શીખવવા, એવી સૂચના મૂકીને પણ નારણદાસભાઈ ઉપર બધું છોડ્યું. તમારી બુદ્ધિ ન કબૂલ કરે તો છોડી દેજો, તમારા ઉપર વધારેપડતો બોજો લાગે તો પણ છોડી દેજો ઈ. ઈ. પણ આવા સંજોગોમાં sterilization (વંધ્યકરણ) હિતકર છે એમ બાપુએ જણાવ્યું; અને સ્ત્રીની રક્ષાને સારુ birthcontrol ( ગર્ભ નિરોધ ) પણ એને શીખવી શકાય. આટલે અંશે પોતાના અગાઉના વિચારોમાં અપવાદ તરીકે આવા કિસ્સા આવે, એમ બાપુએ જણાવ્યું.

આજે સેમ્યુઅલ હોરનું The Fourth Seal (ધ ફોર્થ સીલ) પૂરું કર્યું. સરસ પુસ્તક છે. એમાં ગ્રાંડ ડચેસનું ચિત્ર અદ્ભુત ચીતર્યું છે, પોતાના રશિયન શીખવાનો અતિશય ખંતભર્યો અને સફળ પ્રયત્ન, સામ્રાજ્યની સેવા કરવાની એની તીવ્ર ઈચ્છા, વગેરે બધું સ્પષ્ટ તરી આવે છે. બાપુની ટીકા એ હતી કે ઝારનો છેવટના પ્રકરણમાં બચાવ એ વધારે પડતી રાજાનિષ્ઠા બતાવે છે. મેં કહ્યું : " ઝારે જો ગાદીત્યાગ ન કર્યો હોત તો લડાઈનું કાંઈ જુદુ પરિણામ આવત એમ એ માને છે. એ લડાઈનું ફળ વિપ્લવ, અને એમાંથી ગમે તેમ હોય પણ પ્રજા ઊભી થઈ, એ વાતને એ ગણકારતો જ નથી લાગતો. એને તો pale horse દેખાય અને તેની પાછળ મરણ, સત્યાનાશ, દુકાળ, વગેરેનાં જ દૃશ્ય દેખાયાં છે." બાપુ કહે : " એ સાચું, પણ રાજા વિષે એ કહે છે તે સાચું કે એણે ગાદી ન છોડી હોત અને રાજ કરી બતાવ્યું હોત તો વગરમોતે ન મરત, એના બૂરા હાલ ન થાત.?" " એણે ગાદીત્યાગ ન કર્યો હોત તો એને પ્રજા નહીં મારત શું ? " બાપુ કહે : " એ કહી નહીં શકાય. પણ એણે હિંમતથી પ્રજાની સામે ઊભા રહેવું હતું ! "

१९-३-'३२ મદનજીત ક્યારે કેવી રીતે બાપુ સાથે જોડાયા, પછી કેવી રીતે છૂટા પડ્યા એ વિષે બાપુને પૂછયું; અને ઘણી જાણવા જેવી હકીકત બાપુ પાસેથી મળી. એ જૂનાગઢના નાગર,ઝાંઝીબારથી દક્ષિણ આફ્રિકા ગયેલા, ત્યાં બાપુએ તેમને આશ્રય આપેલો. ઘરભંગ થયા પછી અનેક સારાનરસા અનુભવ લઈ, પછડાઈ, પટકાઈ બાપુ પાસે આવેલા. બાપુની તિજોરીમાંથી પૈસા ગયા તેની કૂંચી વિષે મદનજીતને પૂછપરછ કરતાં એ ચિડાઈ ને ઘર ત્યજી ગયેલા.

૨૪