પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

. . .ની સામે પણ હાજરીની નોટિસ ખેંચી લેવાઈ છે એ વાંચીને મેં કહ્યું ". . . એ બધા એક જ પ્રકારની દલીલ ને વશ થયા છે." બાપુ કહે : " હા, નબળાઈની દલીલને વશ થયા છે."

સરોજિની દેવીને સીમલાનું આમંત્રણ હતું. ત્યાં જવું કે ન જવું એ વિષે બાપુનો અભિપ્રાય માગ્યો હતા. બાપુએ અભિપ્રાય આપવાની ના પાડી. સરદારે આપ્યો. ડાહ્યાભાઈને કહ્યું : " કહેજે કે ન જવું."

२०-३-'३२ ખાસ કાંઈ નોંધવા જેવું નથી. છગનલાલ જોષીને મોકલવાની છોપડીની યાદી કરવાનું કહ્યું, તેમાં બ્રેઈલ્સફર્ડ, કોઝીયર અને ડ્યુરન્ટની ચોપડી નોંધવાની ના પાડી. કારણ એ રાજદ્વારી કહેવાય, અને એ “ક” વર્ગાવાળાને નથી મળતી. એ નોંધતાં નોંધતાં દરેક પુસ્તક વિષે વાતો ચાલતી હતી. ત્યાં બાપુ કહે : " 'સાકેત’ વાંચી જાઓ, બે દિવસનું કામ છે. ૪પ૦ પાનાનું કાવ્ય બે દિવસમાં પૂરું કરવાનું મુશ્કેલ તો લાગ્યું. પણ બાપુ એમ વિના વિચારે કહે નહીં કરીને શરૂ કર્યું અને રાત્રે સૂતા સુધીમાં તો ૩૦૦ પાનાં વાંચ્યાં હતાં. એટલું આકર્ષક એ લાગ્યું. સવારે પોણચારે ઊઠવાનું ન હોત તો પૂરું કરીને જ સૂતો હોત.

२१-३-'३२ 'સાકેત ' આજે ચાર વાગ્યે પૂરું કર્યું”. અપૂર્વ મનોહર કૃતિ છે. રામાયણની કથાની ધરતી લઈ ને એની ઉપર પોતાની ક૯પનાસૃષ્ટિ સુંદર રચી છે. ભાષા સરલ, સુબોધ; કાવ્ય પ્રવાહ અકૃત્રિમ અને પ્રાસાદિક, સ્વચ્છ વહેતા ઝરા જેવો આદિથી અંત સુધી વહ્યો જાય છે. એ કથા ગમે તેટલી વાર વાંચીએ તોપણ આંખ ભીની થયા વિના કેટલાય પ્રસંગ વાંચી શકાતા જ નથી. તેમ જ આ વેળા પણ થયું. ઊર્મિલાનું ચિત્ર સ્વતંત્ર જ છે. એમાં ખૂબ નાવીન્ય અને શોભા છે. માત્ર નવમા સર્ગ જરા સંસ્કૃત કવિઓનું વધારેપડતું અનુકરણ લાગે છે. છતાં આખું કાવ્ય મિથિલીશરણ ગુપ્તની એક ચિરંજીવ કૃતિ રહી જશે. એનું વાચન મનોહર નહીં પણ પાવક છે, ઉન્નતિપ્રદ છે. આટલા ઉન્નત વાતાવરણમાં અથથી ઇતિ સુધી રાખે એવાં ક્વચિત જ વાંચવામાં આવતાં પુસ્તકોમાંનું આ એક છે.

આજે અને કાલે મળી બાપુએ આશ્રમને માટે ૪૦ કાગળ લખ્યા ( ઈમામ સાહેબનાં સ્મરણો ઉપરાંત ). એક બે કાગળો નોંધવા જેવા અહીં નોંધુ છું. જુગતરામે બહારની સ્થિતિનો ઉલ્લેખ કરીને લખેલું કે કેટલાક ઊભા છે, કેટલાક પડી ગયા છે. તેના જવાબમાં બાપુએ લખ્યું :

૨૬