પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપુને લાગ્યું ! ઑસ્ટ્રેલિયામાં મજૂર પક્ષનો તો પ્રભાવ છે એટલે સમાજવાદનો; અને સમાજવાદ કે સામ્યવાદનો સામનો કરવાને માટે આજે Imperialism (સામ્રાજ્યવાદ) કે Fascism (ફાસિઝમ) છે, એનો આજે પ્રચાર થઈ રહ્યો હોય એમ લાગે છે. દક્ષિણ આફ્રિકામાં એ જ થયેલું છે ના? Jameson Raid-(જેમીસન રેડ)ની પાછળ એ સિવાય બીજું શું હતું ? એ તો ક્રુગરનો મંત્રી મહાઅષ્ટાવધાની અને ચાણક્ય જેવો હતો એટલે પેલાના બધા દાવ ખેાટા પડ્યા બધાને પકડ્યા, ખાસ ન્યાયાધીશીથી કેસ ચલાવ્યો અને બધાને ફાંસીની સજા કરાવી.

२२-३-'३२ આજના નાનકડા નાનકડા અનુભવ્ પણ બધાય નોંધવા જેવા છે. સવારે ચાર વાગ્યે પ્રાર્થના પછી લીબુ અને મધનું પાણી પિવાય છે. ઊકળતું પાણી આવે તે મધ અને લીંબુના રસની ઉપર રેડવામાં આવે, પછી પાણી પીવા જેવું થાય ત્યાં સુધી વાટ જોતાં કેટલીક મિનિટ અમે બેઠા રહીએ, અથવા બેકા બેઠા વાંચીએ. ગઈ કાલથી બાપુએ પોતાના પાણી ઉપર કપડાનો કટકો ઢાંકવા માંડ્યો. આજે સવારે પૂછે છે : " મહાદેવ, આ કટકો કેમ ઢાંકું છું ખબર છે? નાનાં નાનાં એટલાં જંતુઓ હવામાં હોય છે કે તે પાણીની વરાળને લીધે અંદર પડવાનો સંભવ છે, એમાંથી બચી જવાય છે. " વલ્લભભાઈ હમેશની રીતે કહે : " એટલી હદ સુધી આપણાથી અહિંસા ન પળાય.” બાપુ હસીને કહે : " અહિંસા તો ન પળાય, પણ સ્વચ્છતા પળાય ના !"

* **

બીજાં' છાપાંઓએ પોતાની ઘરાકી વધારવાને અનેક તરકીબો કરી છે તેવી ‘ક્રોનિકલ’માં અનેક પ્રકારની હરીફાઈ આવે છે. આજે કેટલાંક ચિતોથી સચવાતાં ધંધાનાં નામની હરીફાઈ હતી. બાપુ કહે : " ચાલો વલ્લભભાઈ, નામ સુચવવા લાગો, ઈનામ લેવું છે ના?” અને સાચે જ કાગળો લખાવતા હતા તે કામ મૂકીને બાપુ આ વિનોદમાં પડ્યા. બધાં નામો લખ્યાં, અને પછી મને કહે : " મહાદેવ, તમે એક્સ વાય ઝેડને નામે એ મોકલો. " સાંજે મેં પૂછયું: “ બાપુ, સાચે જ તમે ઈચ્છો છો કે આ મોકલવું ? " બાપુ કહે: " એમાં શું ? એમાં થોડો બુદ્ધિનો ઉપયોગ છે અને નિર્દોષ ગમ્મત રહેલી છે." અમે ઠરાવ્યું કે એના જવાબો ડાહ્યાભાઈ મારફતે મોકલવા.

* **
૨૮